રિપોર્ટ@અમરેલી: ખેડૂતોને પરેશાન કરતા જીએસટી વિભાગનાં અધિકારીઓને સાંસદે ખખડાવ્યા, જાણો સમગ્ર મામલો

 
કાર્યવાહી

જીએસટીનાં અધિકારીઓ ખેડૂતો પાસેથી ઈ-ફોર્મ માંગતા જોવા મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમરેલીનાં બાયપાસ માર્ગ ઉપરથી ગઈકાલે સાંજના સમયે અમરેલી માર્કેટયાર્ડમાં પોતાનો માલ લઈને પસાર થતાં ખેડૂતો પાસેથી જીએસટીનાં અધિકારીઓએ ઈ-ફોર્મ માંગતા અને આ બાબતે ખેડૂતોએ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાની મદદ માંગતાં સાંસદ ભરતભાઈ સુતરીયા તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ખેડૂતો પાસેથી ઈ-ફોર્મ માંગવાનું બંધ કરવા અને મારા ઉપર ફરિયાદ કરવી હોય તો કરી શકો છો તેવો પડકાર પણ ફેંકતા ખેડૂતો સાંસદની કાર્યવાહીથી ખૂશ થયા હતા.

જીએસટી નામની વ્યવસ્થાએ દેશભરનાં વેપારીઓને પરેશાન કરી દીધા છે. વેપારીઓ ઉપરાંત એકાઉન્ટનાં નિષ્ણાંતો પણ સમજી શકતાં નથી તેવી ટેક્ષની માયાજાળ વચ્ચે જીએસટીનાં અધિકારીઓ ખેડૂતો પાસેથી ઈ-ફોર્મ માંગતા જોવા મળ્યા. ખેડૂતોને ઈ-ફોર્મ એની કોઈ ખબર ન હોય છતાં પણ જીએસટીનાં અધિકારીઓ ખેડૂતોનાં વાહનો અટકાવતાં હોય સાંસદ ભરતભાઈ સુતરીયા કે જેઓ પોતે પણ ખેડૂત છે અને સાંસદ હોવા છતાં ખેતીકાર્ય તેઓએ શરૂ રાખેલ છે. એટલે ખેડૂતોની પિડાથી સાસંદ સારી રીતે વાકેફ હોય તેઓએ જીએસટીનાં અધિકારીઓને ખખડાવ્યા હતા અને ખેડૂતો પાસેથી ઈ-ફોર્મ માંગવાનું બંધ કરવા અધિકારીઓને સુચના આપતાં ખેડૂતોમાં સાંસદની કામગીરી પ્રશંસાપાત્ર બની હતી.