રીપોર્ટ@અમરેલી: જાફરાબાદ અને પીપાવાવનો દરિયો તોફાની બન્યો, 7 માછીમારો ગુમ

 
દરિયો
18 માછીમારોને સુરક્ષિત બચાવી લેવાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી બાદ અમરેલી જિલ્લાના જાફરાબાદ અને પીપાવાવ બંદરનો દરિયો તોફાની બન્યો છે. ભારે પવન અને કરંટને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના પરિણામે જાનહાનિનો ખતરો વધ્યો છે. જાફરાબાદની બે અને ગીર સોમનાથની એક બોટ દરિયામાં ડૂબી જતાં 7 જેટલા માછીમારો ગુમ થયા છે. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 18 માછીમારોને સુરક્ષિત બચાવી લેવાયા છે. હજુ પણ 60 થી 70 જેટલી બોટ દરિયામાં હોવાથી માછીમારોની સલામતી અંગે ચિંતા વધી છે. તંત્ર દ્વારા ગુમ થયેલા માછીમારોને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાની વર્તમાન ખરાબ સ્થિતિને જોતા જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારો અને સ્થાનિકોને દરિયાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.આ ઘટના અંગેની વધુ વિગતો અને ગુમ થયેલા માછીમારો વિશેની માહિતી મેળવવાની કામગીરી ચાલી રહી છે.