રિપોર્ટ@અમરેલી: ભાજપના જ નેતાના સનસનીખેજ આક્ષેપ, 'સરકારી કામોમાં થયો કરોડોનો ભ્રષ્ટાચાર'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી જિલ્લામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભ્રષ્ટાચારને લઈને ફરિયાદ સામે આવી છે. અમરેલીના સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને પત્ર લખ્યો છે. રામદેવસિંહે પત્ર લખી આરોપ લગાવ્યો છે કે, અંદાજિત 24 કરોડના ખર્ચે તૈયાર થતાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સાવ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવી રહ્યો છે.
ગોહિલે લેખિતમાં પત્ર લખી અંકિતા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામમાં અતિશય ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો આરોપ લગાવ્યો છે. ગોહિલે પત્રમાં આરોપ લગાવ્યો છે કે, 'સાવરકુંડલા શહેરમાં GUDC અંતર્ગત વર્ષ 2012-13 માં અંકિતા કન્સ્ટ્રક્શન દ્વારા ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હાલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે અને તેમાં GUDCના જવાબદાર અધિકારી ભાવેશ ખેતાણીની ખાનગીમાં ભાગીદારી છે.'કંપની લિમિટેડ અંતર્ગત અંકિતા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા હાલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે તે ટેન્ડર મુજબ થઇ રહ્યું નથી. ટેન્ડૅરમાં દર્શાવ્યું તેના કરતાં ઓછું અને હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે. જેના લીધે ભવિષ્યમાં સ્લેબ અને કોલમ તૂટવાની સંભાવના છે. સરકારના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.
ભ્રષ્ટાચાર વિશે ફરિયાદ કરતાં તેઓએ વધુમાં ઉમેર્યું છે કે, આ STP ના કામમાં ટેન્ડર મુજબ કોન્ક્રીટ બનાવવા માટે બેચિંગ પ્લાન્ટનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ અંકિતા કન્સ્ટ્રકશન કંપની દ્વારા નબળા કામનો રેકોર્ડ તોડવો હોય એમ એજન્સી દ્વારા મિક્ચર મશીન અને મજૂરો દ્વારા હાથથી કોન્ક્રીટ મિક્સ કરી તેનો ઉપયોગ કરે છે. જે અતી ગંભીર બાબત છે, તેમાં વજન પ્રમાણે કપચી,સિમેન્ટ,રેતી અને પાણી મિક્સ કરવાને બદલે આડેધડ મટીરીયલ નાખી ગુણવત્તા વગરનું કામ કરી રહ્યા છે. આ STPના કામમાં કોલમના ફાઉન્ડેશનમાં CC પિરામિડ કરવાના બદલે એજન્સી દ્વારા સીધું કોંક્રીટ ભરીને જમીન લેવલ સુધી જ કોંક્રીટ કામ કરવામાં આવી રહ્યું છે.