રીપોર્ટ@અમરેલી: તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું, શું છે સમગ્ર મામલો? જાણો

 
પરેશ ધાનાણી
ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ એક વિવાદને પગલે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમના પર લાલાવદર ગામના એક દલિત યુવકને અપમાનિત કરી, ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં અમરેલીના લાલાવદર ગામના કેટલાક લોકો હાજરી આપવા ગયા હતા. આ વાતની જાણ થતાં તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી નારાજ થયા હતા.

ચેતન ધાનાણીએ લાલાવદર ગામના મહેશભાઈ ઉર્ફે જિગાભાઈ ભાનુભાઈ માધડના મોબાઈલ ફોન પર ફોન કરીને 'આપ'ની સભામાં જવા મુદ્દે ઉગ્ર ઠપકો આપ્યો હતો. વાતચીત દરમિયાન તેઓએ મહેશભાઈને જેમ ફાવે તેમ ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ધમકીભરી વાતચીતની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ગરમાયો હતો. ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ અને સમાજના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવ્યા બાદ, આજે ચેતન ધાનાણીએ જિલ્લા ભાજપના હોદ્દેદારોને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.

પોતાના રાજીનામા પત્રમાં ચેતન ધાનાણીએ ઉલ્લેખ કર્યો છે કે, 'મારા નામથી કથિત ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેના કારણે પાર્ટી ઉપર આક્ષેપો થઇ રહ્યા છે. તેથી નૈતિકતાના ધોરણે હું તાલુકા ભાજપ પ્રમુખ અમરેલીના હોદ્દા ઉપરથી સ્વેચ્છાએ રાજીનામુ આપુ છું.'તેઓએ પત્રના અંતમાં ઉમેર્યું હતું કે તેઓ પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. આ સમગ્ર ઘટનાને પગલે અમરેલીના રાજકારણમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.