રિપોર્ટ@આણંદ: મંદિરનું દબાણ તોડવા મુદ્દે પોલીસ અને દબાણકારો વચ્ચે મોટું ઘર્ષણ, સ્થાનિકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો

 
વિરોધ
પોલીસે પથ્થરમારો કરતા લોકો પર કર્યો લાઠીચાર્જ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આણંદમાં દબાણ તોડવા મુદ્દે પોલીસ અને દબાણકારો વચ્ચે મોટું ઘર્ષણ સર્જાયું છે. આણંદની બોરસદ ચોકડી પાસે પોલીસ અને દબાણકારો વચ્ચે પથ્થરમારો થયો છે. મંદિરનું દબાણ તોડવા જતાં જેસીબી પર સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. દબાણકારોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો છે.

ત્યારે પોલીસે પથ્થરમારો કરતા લોકો પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે અને હાલમાં પોલીસે પથ્થરમારો કરતા કેટલાક લોકોની અટકાયત પણ કરી લીધી છે અને મામલો શાંત કરવા માટે સ્થાનિકો સાથે વાતચીત કરી છે. હાલમાં કેટલીક સરકારી જગ્યાઓ પર લોકો વર્ષોથી દબાણ કરીને બેઠા છે, તેવી તમામ જગ્યાઓ સરકાર ખાલી કરાવે છે અને તેનો સરકારી કામકાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે વર્ષોથી જગ્યાઓ પચાવી પાડીને બેઠેલા લોકો પોતાની જગ્યા માનીને તંત્ર સામે ઘર્ષણમાં ઉતરે છે.

અમદાવાદના વિરમગામમાં પણ અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આશરે 80થી વધુ દુકાનોના શેડ અને દબાણો તંત્ર દ્વારા કામગીરી કરીને દૂર કરવામાં આવ્યા હતા. વિરમગામ શહેરના ભરવાડી દરવાજાથી મીલ રોડ ફાટક રોડ પરની 80થી વધુ દુકાનોના શેડ અને ઓટલા, દિવાલો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વિરમગામ નગરપાલિકા તંત્રના અધિકારીઓ JCB મદદથી રોડ પરના ઓટલા, શેડ અને દિવાલો દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રસ્તાને અડચણરૂપ અને ટ્રાફિક સમસ્યાઓને લઈ દુકાન બહાર બનાવેલા ઓટલા, શેડ અને દિવાલોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.