રીપોર્ટ@આણંદ: રાહુલ ગાંધીની વિદાય બાદ કોંગ્રેસમાં ભડકો, બે રાજીનામા પડ્યા, જાણો કારણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ આણંદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. રાહુલ ગાંધીની વિદાય બાદ કોંગ્રેસમાંથી બે રાજીનામા પડ્યા છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. તો વિધાનસભા સોશ્યલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ રાજીનામું આપ્યું. વિજય બારૈયા અને વિજય જોશીએ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખને પોતાના રાજીનામા સોંપ્યા છે.
પક્ષમાં ગ્રાઉન્ડ સ્તર પર કામ કરનાર કાર્યકરોની અવગણનાનો આરોપ લાગ્યો છે. સાથે જ પક્ષમાં દલાલો અને વેચાયેલાઓને વધુ મહત્વ આપવામાં આવે છે તેવું કહેવાઈ રહ્યું છે. ત્યારે આવા આરોપો વચ્ચે કોંગ્રેસમાંથી હજુ વધુ રાજીનામા પડવાની શક્યતાઓ છે. જોકે, આડકતરી રીતે બંને કાર્યકર્તાઓએ અમિત ચાવડા પર નિશાન સાધ્યું હતું.રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ પાસ ત્યારે બંનેએ રાજીનામુ આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા.
વિજય જોશીએ રાજીનામું આપતા કહ્યું કે, દસ વર્ષના મારા કાર્યા કાળમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મને જે જવાબદારી અપાઈ છે. અને હાલ મારી જવાબદારી આણંદ વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ તથા વિદ્યાનગર શહેર ઉપપ્રમુખ તરીકેની છે. તે મે મારી ફરજના ભાગ રૂપે નિષ્ઠાથી નિભાવી છે. અને મારી ફરજના સમયમાં મારી સામે એક પણ કાર્યકર કે આગેવાન કે નેતા દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી. અને મેં કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર મારી ફરજ નિભાવી છે. મેં છેક છેલ્લે સુધી રાહુલ ગાંધીના પ્રવાસ સુધી ખડેપગે મારી ફરજ નિભાવી છે. મેં રાહુલજી આવવાના હતા ત્યારે સુધી મોડી રાત સુધી પાર્ટીના કાર્યકરો સાથે મળીને સ્વાગતની તૈયારીઓ કરવાનું આણંદ જિલ્લા પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું. પરંતું મને પાસ આપવામાં ન આવ્યો. આણંદ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ સાથેના મળતિયાઓને પાસ ફાળવી દેવાયા. મને નાતજાતના લીધે આ મિટિંગથી દૂર રખાયો, જેનું મને દુ:ખ છે, મારા જેવા કેટલાય વફાદાર કોંગ્રેસી કાર્યકરોને રાહુલ ગાંધીના મિટિંગમાં પ્રવેશ આપવામાં ના આવ્યો.