રિપોર્ટ@અરવલ્લી: કરારના કર્મચારીઓ 4 મહિનાથી પગારથી વંચિત, બાળકોનો વિકાસ કરતાં કર્મીઓની સ્થિતિ ચિંતાજનક ?

અટલ સમાચાર ડોટ કોમ, અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં રાજ્ય કેન્દ્ર સરકારના પ્રયાસોથી સંકલિત બાળવિકાસ યોજના હેઠળ વિવિધ કામગીરી થઇ રહી છે. જેમાં પા પા પગલી પ્રોજેક્ટ માટે કરાર આધારિત ઈન્સ્ક્ટરોની નિમણૂંક કરી જવાબદારી સોંપેલી છે. જોકે બાળકોના વિકાસમાં લાગેલા આ ઈન્સ્ક્ટરોની ખુદની સ્થિતિ ચિંતાજનક હોવાની બૂમરાણ મચી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 4 મહિનાથી આ ઈન્સ્ક્ટરો પગારથી વંચિત હોવાનું જણાવતાં ચોંકાવનારી પરિસ્થિતિ બની છે. પગારમાં અત્યંત વિલંબને પગલે કરાર આધારિત મળેલી ફરજ બજાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરતાં હોવાનો કચવાટ પણ સામે આવ્યો છે. 11 માસના કરાર આધારિત ઘટક પી.એસ.ઇ ઇન્સ્ટ્રક્ટરોને સમયસર વેતન નહિ મળતાં જીવન નિર્વાહમાં પણ પરેશાની ભોગવી રહ્યા છે.
બાળકોનો સર્વાંગી વિકાસ માટે સરકારે મહત્વાકાંક્ષી " પા પા પગલી " પ્રોજેક્ટ શરૂ કરેલો છે. આ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી માટે આઇસીડીએસ અંતર્ગત પ્રાથમિક શિક્ષણના ઘટક ઇન્સ્ટ્રક્ટરોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. જોકે અરવલ્લી જિલ્લામાં ઘટક બ્લોક ઇન્સ્ટ્રક્ટરોનું શું શોષણ થઈ છે ? તેવો ચોંકાવનારો અને ગંભીર સવાલ ઊભો થયો છે. ઇન્સ્ટ્રક્ટરોના સૂત્રોના જણાવ્યાં મુજબ રજૂઆત કરતાં ફક્ત આશ્વાસનો મળે છે તેમજ જિલ્લાના ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ આપખુદશાહી જેવું વર્તન થાય છે. એક એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે, ઘટક ઇન્સ્ટ્રક્ટરોના મોબાઈલમાં gps ચાલુ હોવા છતાં લોકેશન જાણવાના ઓથા હેઠળ જિલ્લા ઇન્સ્ટ્રક્ટર વિડિયો કોલ કરી બિનજરૂરી કનડગત ઉભી કરવામાં આવે છે. જો ઘટક ઇન્સ્ટ્રક્ટરો કોઈ રજૂઆત કરવા જાય તો કરાર રીન્યુ કરવામાં નહી આવે તેવું જણાવી આડકતરી રીતે ડર ઉભો કરવામાં આવે છે.