રીપોર્ટ@અયોધ્યા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આજે રામલલાના દર્શન કર્યા બાદ 'શ્રીરામ યંત્ર'ની સ્થાપના કરી, જાણો તેની ખાસિયત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવરાત્રિના પહેલા જ દિવસે અયોધ્યાના રામ મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી છે. તેમણે રામલલાના દર્શન કર્યા બાદ રામ દરબારમાં શ્રીરામ યંત્રની સ્થાપના કરી છે. તેમણે રામ મંદિર પરિસરની પણ મુલાકાત લીધી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીરામ યંત્રની પૂજા-અર્ચના કરાયા બાદ તેઓએ રામ મંદિરના બીજા માળે યંત્રની સ્થાપના કરી છે.
રાષ્ટ્રપતિ સવારે 10 કલાકે મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા અને અહીં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું.રામ મંદિરમાં સ્થાપના કરાયેલ ‘શ્રીરામ યંત્ર’ માત્ર ધાતુની એક આકૃતિ નથી, પરંતુ તે બ્રહ્માંડીય ઊર્જાનું એક ગણિતીય અને આધ્યાતમિક સ્વરૂપ છે. શાસ્ત્રો મુજબ, જે રીતે ‘શ્રી યંત્ર’ને લક્ષ્મી દેવીનું પ્રતીક માનવામાં આવે છે, તેવી જ રીતે શ્રીરામ યંત્રને ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામની વિજય અને મર્યાદાનું પ્રતીક માનવામાં આવે છે. આ યંત્રનું વિશેષ ધાતુઓના મિશ્રણ અને વૈદિક મંત્રોચ્ચાર કરીને સ્થાપન કરવામાં આવ્યું છે.તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના મઠ દ્વારા શ્રીરામ યંત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ યંત્રને કાંચીપુરમથી આંધ્રપ્રદેશના તિરુપતિમાં લવાયું હતું. પછી તેની ભવ્ય રથયાત્રા યોજીને 10 દિવસ પહેલા અયોધ્યા લવાયું છે. આ યંત્રનું વજન 150 કિલો છે અને તેના પર સોનાની પરખ ચઢાવાઈ છે.

