રિપોર્ટ@બેચરાજી: સાંપાવડા ગામમાં અધધધ... ખનીજ ચોરી થઇ ગઈ, ચોકીદારોને આંખે ના ચડી

 
Sapavada
ધોળા દિવસે અને આખી રાત બેફામ ડમ્પરો માટી ઉઠાવી ગયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા 


બેચરાજી તાલુકાના સાંપાવાડા ગામમાં ખનીજ ચોરીની એક ચકચારી ઘટના સામે આવી છે. આખા ગામમાં ચકચાર છતાં સરકારી સંપત્તિના ચોકીદારોને માટી ચોરીનુ સ્થળ મળતું નથી. જોકે વહીવટદાર અને તલાટીને જાણ કરવામાં આવતાં અચાનક શંકાસ્પદ ઈસમે ફોનની ઘંટડી શરૂ કરી હતી. વાત જામે એમ ના લાગતાં ખનીજ માફિયાઓએ પોતાનાં આકાઓને ચર્ચા કરી હાલ પૂરતુ ગેરકાયદેસર ખનન અટકાવી દીધું છે. જોકે આટલા સમય સુધીમાં ખનીજ માફિયા અને સ્થાનિક ચોકીદારોના આશીર્વાદથી સરકારી પડતર જમીનમાંથી લાખો કરોડોની માટી ચોરાઇ ગઇ છે. ગામમાં હાલ સરપંચ ના હોવાથી તલાટી એવા વહીવટદાર અને તલાટી કમ મંત્રીની સરકારી ખનીજની ચોરી અટકાવવાની ફરજમાં બેદરકારી કેમ નહિ તેવા સવાલો પણ થયા છે. જાણીએ સમગ્ર અહેવાલ.

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સાંપાવાડા ગામથી સુરપુરા તરફ જતાં ખાદરી નામે પડતર જમીનમાં અધધધધ...... પ્રમાણમાં માટી ખનન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ખનીજ માફિયાઓએ અહીં દિવસ રાત બેફામ ખનન કરી ગણતરીના દિવસોમાં લાખો કરોડોની માટી ઉઠાવી ખાનગી બાંધકામની જગ્યાએ ઠાલવી દીધી હોવાની બૂમરાણ છે. આ બાબતે સૌપ્રથમ ગ્રામ પંચાયતના વહીવટદાર ગઢવી અને તલાટી કમ મંત્રી પાંડવને જાણ આવતાં જોવડાવી લઈએ તેમ કહ્યું હતુ. વાત સરકારની તિજોરીને સ્પર્શતી ફરી યાદ કરાવતાં વહીવટદારે ફોન ઉપાડવાનું બંધ કર્યું અને તલાટી કહે છે કે, જગ્યા મળતી નથી. ધોળા દિવસે અને આખી રાત બેફામ ડમ્પરો માટી ઉઠાવી ગયા, સરકારી પડતર જમીનમાં દોઢથી બે માથોડા જેટલું ઊંડું ખોદાણ કરી દીધું છતાં ચોકીદારોને ગેરકાનૂની ખનનની જગ્યા મળતી નથી. વાત આટલી નથી, પંચાયતના સત્તાધીશોને જાણ થઈ પરંતુ કનુ નામના શંકાસ્પદ ઈસમને પણ જાણ થઈ કે, કોઈ ગેરકાયદેસર ખનન અટકાવી રહ્યું છે તો કનુએ પોતાના આકાઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક અસરથી ગેરકાયદેસર ખનન રોકી દીધું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાંપાવાડા ગામમાં હાલે સરપંચ કે સભ્યો ના હોવાથી વહીવટદાર અને તલાટી કમ મંત્રી પંચાયત અને સરકારી ખનીજ સંપત્તિના મુખ્ય રખેવાળ છે. ગામમાં સરકારી જમીન ઉપર ગેરકાનૂની પ્રવેશ, ગેરકાયદેસર ખનન, ગેરકાયદેસર ખનીજની હેરાફેરી અને રોયલ્ટી ચોરી અટકાવવાની તેઓની ફરજ બને છે. નવાઇની વાત એ થઈ કે, લાખો કરોડોની માટી ચોરાઇ ગઇ છતાં બંને સત્તાધીશોને ખબર તો નથી પરંતુ ક્યાંથી ચોરાઇ એ જગ્યા પણ મળતી નથી. આવી સ્થિતિમાં સમગ્ર મામલે બેચરાજી મામલતદારને જાણ થતાં ચૂંટણી પર્વ વચ્ચે સમય કાઢી ગેરકાયદેસર ખનન બાબતે તપાસ કરાવી ધોરણસરની કાર્યવાહી માટે ક્વાયત હાથ ધરી છે.