રીપોર્ટ@બનાસકાંઠા: મગરવાડા ગામમાં કાર્યવાહી કરવા પહોંચેલી પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી

 
કાર્યવાહી
બુટલેગરો અને તેમના પરિવારે પોલીસને તપાસમાં સહકાર આપ્યો નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ગેરકાયદેસર દબાણદારો અને બુટલેગરો સામે પોલીસે આંખ લાલ કરી છે. આ અંગેની કાર્યવાહીમાં વડગામના મગરવાડા ગામમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ કેસમાં પોલીસે એક સગીર સહિત કુલ નવ બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી એકની અટકાયત કરવામાં આવી છે. આ સાથે બે ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી નાખ્યા છે. હાલ રાજ્યમાં વિવિધ ઠેકાણે દબાણદારો પર મોટી કાર્યવાહી કરીને દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ પોલીસે બુટલેગરો પર પણ તવાઈ બોલાવી છે.

વડગામના મગરવાડા ગામમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરોડા દરમિયાન બુટલેગરો અને તેમના પરિવારે પોલીસને તપાસમાં સહકાર આપ્યો નથી. એટલું જ નહીં પરંતુ પોલીસ સાથે તપાસમાં જ ઝપાઝપી થઈ હતી. પોલીસ દ્વારા દરોડા પાડીને બુટલેગરોના ઘરનું વીજ બિલ અને વેરાનું બિલ તપાસવામાં આવતું હતું. જેમાં બે વીજ જોડાણ ગેરકાયદેસર દેખાતા કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ કરતા સામે આવ્યું છે કે, આ લોકો ઘરમાં જ દેશી દારૂ બનાવીને વેચતા હતા.

આ સાથે પોલીસે બે ગેરકાયદેસર વીજ કનેક્શનને શોધીને તેને કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આ દરોડામાં બુટલેગરો પાસેથી 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર વોશ સહિત કુલ રૂ. 14,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે બાદ આ મુદ્દામાલનો નાશ પણ કરવામાં આવ્યો છે. પોલીસે આ ગુનામાં એક સગીર સહિત કુલ નવ બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી એકની અટકાયત કરી હતી.