રીપોર્ટ@બનાસકાંઠા: ખેડૂતોએ 20 વર્ષથી રસ્તો ન બનતા ભાજપનો બહિષ્કાર કર્યો, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડીસા તાલુકાના આસેડા ગામના ખેડૂતોએ છેલ્લા બે દાયકાથી રસ્તાની સમસ્યાનો ઉકેલ ન આવતા સત્તાધારી પક્ષ ભાજપ સામે બળવો પોકાર્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રિત થઈ ભાજપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે, જેના કારણે સ્થાનિક નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.આસેડા ગામના ખેડૂતોનો ગંભીર આરોપ છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ ભાજપને મત આપતા આવ્યા છે, પરંતુ આટલા લાંબા સમય છતાં આસેડાથી હોણા ગામને જોડતો મુખ્ય માર્ગ બન્યો નથી.
રસ્તાના અભાવને કારણે ખેડૂતોને ખેતી, રોજીંદી અવરજવર અને ઈમરજન્સી સમયે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય મળતા હવે ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે.ગામમાં યોજાયેલી સભામાં ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગામના મુખ્ય ચોક અને ગલીઓમાં બેનરો લગાવી દેવામાં આવ્યા છે. આ બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, ભાજપના કોઈ પણ નેતાએ આ ગામમાં વોટ માંગવા આવવું નહીં. ભાજપના નેતાઓ અમારી વાત સાંભળતા નથી, તેથી અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ."ખેડૂતોએ 'રસ્તો નહીં તો વોટ નહીં' ના નારા લગાવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, આસેડા ગામના ખેડૂતોના આ ખુલ્લા બહિષ્કાર પર રાજકીય પક્ષો શું પ્રતિભાવ આપે છે.

