રીપોર્ટ@બનાસકાંઠા: ચૂંટણી પૂર્વે 22 ગામોના ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચીમકી, 'પાણી નહીં તો વોટ નહીં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાવ અને થરાદ પંથકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એકતરફ સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોમાં ભારે રોષ છે, તો બીજી તરફ ચૂંટણીમાં લોભ-લાલચ આપતા નેતાઓ સામે સામાજિક સંગઠનોએ કડક વલણ અખત્યાર કર્યું છે.વાવ તાલુકાના વાસરડા ગામે દેવપુરાથી સુઈગામ તરફ જતી નવીન કેનાલના કામ મુદ્દે 22 ગામોના ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2022માં મંજૂર થયેલું કેનાલનું કામ 2026 આવી ગયું હોવા છતાં હજુ પૂર્ણ થયું નથી. ત્રણ-ત્રણ વર્ષથી કેનાલ અધૂરી રહેતા હજારો એકર જમીનમાં સિંચાઈના પાણીના અભાવે પાક નિષ્ફળ જઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રની બેદરકારીને કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ટાણે જ ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે. વાસરડા ખાતે એકત્રિત થયેલા હજારો ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે ચીમકી આપી છે કે, "જો ચૂંટણી પહેલા કેનાલનું કામ પૂર્ણ કરી ખેતરો સુધી પાણી પહોંચાડવામાં નહીં આવે, તો આ તમામ 22 ગામોના મતદારો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે." ખેડૂતોના આ આક્રમક વલણને કારણે રાજકીય પક્ષોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

