રિપોર્ટ@બનાસકાંઠા: ડીસામાં લવજેહાદને લઈ પૂર્વ ધારાસભ્યએ PI પર કર્યા આકરા પ્રહાર
PI ઉપર નબળી કામગીરીને લઈ આકરા પ્રહારો કર્યા છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠાના ડીસા તાલુકામાં વિધર્મી યુવક દ્વારા પરિણીતાને ભગાડી જવાનો મામલો સામે આવ્યો છે. પરણીતા નવરાત્રી દરમિયાન ગરબા રમવા ગઈ હતી. મોડી રાત સુધી પરત ન ફરતા તેના પતિએ ડીસા દક્ષીણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે કેટલાક હિંદુ સંગઠનોએ રસ દાખવ્યો છે. અને પોલીસ મથકે પહોંચી વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર કર્યા છે. તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ડીસા દક્ષીણ પોલીસ મથકના PI ઉપર નબળી કામગીરીને લઈ આકરા પ્રહારો કર્યા છે.
આરોપ લગાવતા તેમણે કહ્યુ કે, છેલ્લા 4 દિવસથી પોલીસ પાસે પરણીતાનો પીડિત પતિ રજુઆત કરવા જતો હતો. તેમ છતા પણ પોલીસે કોઈ ફરિયાદ લીધી ન હતી. ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઇ કુલદીપ દેસાઈએ ફરિયાદ નોંધવામાં પણ પીડિત પરિવાર પાસેથી પૈસા લીધા હોવાનું મને પીડિત પરિવારે કહ્યું છે. વિધર્મી યુવક મુકેશ ઠાકોર નામનું હિન્દૂ નામ ધારણ કરીને પરણીતાના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ નવરાત્રીમાં ગરબા રમવા દરમિયાન તે પરણીતાને ફસાવીને ભગાડી ગયો હતો. શશીકાંત પંડ્યાએ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, પીઆઇ કુલદીપ દેસાઈ અગાઉ નવસારીમાં પણ વિવાદ કરીને અહીં આવ્યા છે અને અહીં ડીસાને બાનમાં લઇ રહ્યા છે. તેમણે 4 દિવસ સુધી પીડિતની ફરિયાદ લીધી નથી અને આખરે અમારા દબાણમાં જાણવા જોગ અરજી લીધી છે.
ડીસાના આવા પીઆઇના કારણે સરકાર અને પોલીસ તંત્ર બદનામ થઈ રહ્યું છે. આ પીઆઇના આવવાથી ક્રાઈમ વધ્યું છે. હિન્દૂ સમાજની બેનને વિધર્મી લઈ જાય તો પણ પીઆઈએ કોઈ કાર્યવાહી ન કરતા અમારે એસપી સુધી જવું પડ્યું છે. તેમણે પીઆઈ પર નિશાનો સાધતા કહ્યું કે, તમે જે નવસારીમાં કરતા હતા તે મહેરબાની કરીને અહીં ન કરો, અંગારે અંગારા દેખાશે, આ આલિયા માલિયા જમાલિયાને છાવરવાનું બંધ કરી દો. સરકારને અને ગૃહમંત્રીને બદનામ ન કરો.