રિપોર્ટ@બનાસકાંઠા: અંબાજી ગબ્બર ખાતે હરિયાળા ગુજરાતના સંકલ્પ સાથે 'મેગા પ્લાન્ટેશન-2026'નો ભવ્ય પ્રારંભ

 
અંબાજી
18 ટેકરીઓ પર 1,000,00થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્‍યાંક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે હરિયાળા ગુજરાતના સંકલ્પ સાથે 'મેગા પ્લાન્ટેશન-2026'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. 'એક પેડ મા કે નામ-3.0' અને 'ગ્રીન અરાવલી' અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ સાથે સ્થાનિક રોજગારી વધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

આ શુભારંભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ મહાઅભિયાન હેઠળ અંબાજીના ગબ્બર ખાતે આવેલી 18 ટેકરીઓ પર 1,000,00થી વધુ વૃક્ષો વાવીને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવાનો આશાસ્પદ લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે. અરાવલી પર્વતમાળાના રક્ષણ માટે શરૂ કરવામાં આવેલા 'ગ્રીન અરાવલી' પ્રોજેક્ટ હેઠળ 1,200 હેક્ટર વિસ્તાર આવરી લેવાશે. આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1,000,000 વૃક્ષો વાવવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ પર્યાવરણીય અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત ન રહેતા સ્થાનિક લોકોના આર્થિક ઉત્થાનનું માધ્યમ પણ બનશે.