રીપોર્ટ@બનાસકાંઠા: DJ વિવાદમાં નવો વળાંક, નાત બહાર કરતા ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા, સમાજની માફી માંગવા તૈયાર

 
વિવાદ
સમાજના જ 5 લોકોએ તેમની વિરુદ્ધ કાવતરું ઘડયાનો આક્ષેપ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના લોકગાયક અને સામાજિક વિવાદોમાં ઘેરાયેલા ગબ્બર ઠાકોરે એક વીડિયો જાહેર કરીને મોટો ઘટસ્ફોટ કર્યો છે. સમાજ દ્વારા ‘નાતબહાર’ મૂકવાની હિલચાલ બાદ ગબ્બર ઠાકોરના તેવર નરમ પડ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. તેમણે વીડિયોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો તેઓ સમગ્ર સમાજની માફી માંગવા તૈયાર છે.

ગબ્બર ઠાકોરે આક્ષેપ કર્યો છે કે સમાજના જ 5 લોકોએ તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે અને તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે સમાજના અગ્રણીઓને વિનંતી કરી છે કે સત્ય જાણ્યા વગર કોઈ નિર્ણય ન લેવામાં આવે.આ વિવાદમાં તેમણે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને અલ્પેશભાઈ ઠાકોરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “પહેલા તમે બંને ભેગા મળીને નક્કી કરો કે શું સાચું છે.” તેમણે દાવો કર્યો હતો કે ડીજે (DJ) વગાડવા જેવા મુદ્દાઓ પર નેતાઓ પોતે સ્પષ્ટ નથી, જેના કારણે કલાકારો અને સમાજ વચ્ચે ગેરસમજ ઉભી થઈ રહી છે.ગબ્બર ઠાકોર હવે સમાજ સામે નમ્યા છે. તેમણે કહ્યું કે, “સમાજ માવતર છે અને માવતર ક્યારેય કમાવતર ન થાય. હું સમાજની માફી માંગવા પણ તૈયાર છું.”

ઠાકોર સમાજમાં કુરિવાજો દૂર કરવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગત 4 જાન્યુઆરી, 2026ના રોજ ઓગડથળી ખાતે નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ બંધારણ હેઠળ લગ્ન પ્રસંગોમાં ડી.જે. વગાડવા પર કડક પ્રતિબંધ મૂકાયો હતો. ડીસા તાલુકાના ઝાબડિયા ગામે ગબ્બર ઠાકોરના કાકા લેરાજી ઠાકોરના પુત્રના લગ્ન હતા. આ પ્રસંગે વરઘોડામાં ડી.જે. વગાડવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોનું કહેવું છે કે આ કૃત્ય નવા બંધારણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. આ મામલે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો એકઠા થયા હતા અને સર્વાનુમતે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને લેરાજી ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય લીધો હતો.