રિપોર્ટ@બનાસકાંઠા: વાવ પેટા ચૂંટણીને લઇ જોવા મળ્યો રાજકીય ગરમાવો, કયા-કયા નામો છે ચર્ચામાં? જાણો
કોંગ્રેસ આજે સાંજ સુધીમાં ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતાઓ જોવા મળી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાવ પેટા ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે બંને રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર કરવામાં આવનાર છે. ત્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવતા બંને પક્ષોના ઉમેદવાર કોણ તેની પર સૌ કોઈની નજર રહેલી છે. હાલની માહિતી પ્રમાણે ભાજપમાંથી મુકેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, રજનીશ પટેલ, લાલજી પટેલ, શૈલેષ પટેલ, અમિરામ આન્સલ, ધનજીભાઈ ગોહિલ અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, રાજુ ભાઈ જોશી, કે.પી ગઢવી, અને ઠાકરસી રબારીના નામ જાહેર થવાની શક્યતાઓ દેખાઇ રહી છે.
બંને પક્ષમાંથી ઉમેદવારનો ચહેરો આ ચૂંટણીમાં મહત્વનો રહેશે. ત્યારે ઉમેદવાર કયો મૂકવો તેને લઇ ભાજપ અને કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાયું છે. કારણેકે બંને તરફ આ વખતે બરાબરી થવાની શક્યતાઓ પણ રહેલી છે. જોકે કોંગ્રેસ આજે સાંજ સુધીમાં ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. અને 24 તારીખે કોંગ્રેસ ઉમેદવારી ફોર્મ ભરી દેશે તેવી ગેનીબેનએ અગાઉ જાહેરાત પણ કરી હતી.
વાવ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભુરાજી ઠાકોરે ફોર્મ ભર્યું છે. ભુરાજી ઠાકોર ગેનીબેનને લોકસભામાં જીતાડવા માટે પણ કામ કરી ચૂક્યા છે. તથા ભુરાજી ઠાકોર ગેનીબેન ઠાકોર કૌટુંબિક કાકા થાય છે. ત્યારે પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસને જીત અપાવવા મહેનત કરી રહ્યા છે. ભુરાજી ઠાકોરે 2012 થી 2017 સુધી ગેનીબેન સાથે કામ કર્યું છે. ઉપરાંત ભુરાજી ઠાકોર 2017 સુધી કોંગ્રેસમાં રહ્યા હતા.