રિપોર્ટ@બનાસકાંઠા: પ્રાથમિક શાળાના આચાર્યની કરતૂતનો પર્દાફાશ, નકલી પત્ર બનાવી શિક્ષકની બદલીનો આપ્યો ઓર્ડર
ખોટી સહી કરી શિક્ષકોની બદલી કરવાના નામે રૂપિયા પડાવતો હોવાના આરોપ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠામાં બ્રિજેશ પરમાર નામના શિક્ષકે શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી બદલીનો ઓર્ડર આપ્યો હોવાની ઘટના સામે આવી છે.બનાસકાંઠાના વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવના સહી અને સિક્કા કરી બદલીનો નકલી ઓર્ડર બનાવ્યો હતો. હાલ બદલીનો કેમ્પ યોજાયો હતો, જેમાં શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે નકલી સહી સિક્કા સાથેનો ઓર્ડર બનાવી થરાદની ડુવા પ્રાથમિક શાળામાં જે શિક્ષક ફરજ બજાવે છે તેને આ ઓર્ડર આપી દીધો હતો.
આ શિક્ષક જ્યારે જે-તે સમયે બદલીના ઓર્ડર મુજબ અન્ય શાળામાં હાજર થવા ગયાં ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.સમગ્ર ઘટનાની જાણ થતાં પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ધોરણે શિક્ષક બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરી દીધો છે અને પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે. વડગામ તાલુકાના શિક્ષણ અધિકારી આ સમગ્ર વિષયે તપાસ કરી રહ્યાં છે.
સમગ્ર તપાસ બાદ શિક્ષક બ્રિજેશ પરમાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે, ગુજરાતમાં લોકોને અસલી શું મળી રહ્યું છે? સ્વાસ્થ્ય, શિક્ષણ, ન્યાય તેમજ વ્યવસ્થા જો તમામમાં નકલી વસ્તુ ઘુસી રહી છે, તો રાજ્યના નાગરિકોને અસલી શું મળી રહ્યું છે? રાજ્યની પરિસ્થિતિ તો હાલ એવી થઈ ગઈ છે કે, કોઈપણ વસ્તુ કે સેવા લેતાં પહેલાં લોકોને વારંવાર વિચારવું પડે છે કે, ક્યાંક આ પણ નકલી નહીં હોય ને?