રિપોર્ટ@બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ, 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે

 
ચૂંટણી
ચૂંટણીના 10 ઉમેદવારોના ભાવિનો નિર્ણય EVMમાં કેદ છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ આવશે, આવતીકાલે 23 નવેમ્બરે મત ગણતરી યોજાશે. 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. ત્યારે જોવાનું એ રહેશે કે આવતીકાલે યોજાનારી મતગણતરી બાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે. કોણ બનશે વાવના નવા ધારાસભ્ય તેનો આવતીકાલે ફેંસલો આવી જશે. બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું.

આ ચૂંટણીમાં 70.54% જેટલું મતદાન થયું હતું અને મતદાન બાદ તમામ ઇવીએમ મશીનને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા હતા. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસઆરપી બીએસએફ અને પોલીસની નિગરાની હેઠળ આ તમામ ઇવીએમ મશીન રાખવામાં આવ્યા હતા. જોકે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગને લઈને ચૂંટણીનો રંગ જામ્યો હતો. આ ત્રિપાંખીયા જંગમાં અનેક દિગ્ગજ નેતાઓએ સભાઓ ગજવી હતી. ભાજપના સ્વરૂપજી ઠાકોર મેદાનમાં હતા તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા. તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ પણ મેદાનમાં હતા અને ત્યારે આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો રંગ જામ્યો હતો અને જાતીય સમીકરણ ઉપર સમગ્ર ચૂંટણી લડાઈ હતી.

મુખ્ય મંત્રી સહિત અનેક મંત્રીઓ ભાજપ માટે પ્રચારમાં ઉતર્યા હતા. તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ સહિત કેન્દ્રીય નેતાઓ પણ સભાઓ ગજવી હતી. તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ મતદારોને રીઝવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. ત્યારે આવતીકાલે એટલે કે 23 નવેમ્બરે મત ગણતરી યોજાશે. 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. હાલ ચૂંટણીના 10 ઉમેદવારોના ભાવિનો નિર્ણય EVMમાં કેદ છે.