રીપોર્ટ@બનાસકાંઠા: 'કેટલાક લોકોને દેશનો વિકાસ પસંદ નથી', PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો પણ જાહેર કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે બનાસકાંઠાના ભીલડી ખાતે તેમણે રૂ.14 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન માતાઓ, બાળકો, ખેડૂતો અને પશુપાલકોના સશક્તિકરણ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો પણ જાહેર કર્યો હતો. ભીલડી ખાતે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કેટલાક લોકોને દેશમાં વિકાસ થતો ગમતો નથી. કેટલાક લોકોનો દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્લાન હતો. વિપક્ષના નેતાઓ અલગ-અલગ મુદ્દાઓ પર અફવા ફેલાવે છે અને મોદી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.
દેશમાં જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે કેટલાક લોકોને ખુશી મળે છે. દેશના હિત કરતાં રાજકીય સ્વાર્થને પ્રાધાન્ય આપતા લોકો વિકાસના કામોમાં પણ અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરે છે તેવો આક્ષેપ વડાપ્રધાને કર્યો હતો.વડાપ્રધાન મોદીએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર અને તેના કારણે વૈશ્વિક સ્તરે ઊભી થયેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, દુનિયામાં યુદ્ધની સ્થિતિને કારણે ખાતરની કિંમતો વધી હોવા છતાં ભારતના ખેડૂતો પર મોંઘા ખાતરનો બોજ પડવા દીધો નથી. યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ દેશમાં ખાતરની અછત ઊભી થવા દીધી નથી. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર કર્યો હતો. આ અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા કરવામાં આવી છે.

