રિપોર્ટ@બનાસકાંઠા: કાંકરેજમાં ગ્રામજનોએ વૉચ ગોઠવીને મોટી ખનીજચોરીનો કર્યો પર્દાફાશ

 
ખનીજચોરી
તંત્રને થતાં મોટા આર્થિક નુકસાનથી બચાવી લીધું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠામાં મોટાપાયે નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન અને ખનીજ ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડામાં ખનન ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. આ વખતે પોલીસે કે તંત્ર દ્વારા નહી પરંતુ ગ્રામજનોએ જાતે જ વોચ ગોઠવી મોટી ખનન ચોરીને ઝડપી પાડી છે. કાંકરેજ તાલુકાના અરણીવાડામાં રોયલ્ટી વિના ખનન ચોરી થઇ રહી હતી. ત્યારે ગ્રામજનોએ જાતે જ વોચ ગોઠવી અરણીવાડા ગામની સીમમાંથી પસાર થતી ટ્રકોને ઘેરી લીધી હતી.

લાખોની ખનન ચોરીને અટકાવી તંત્રને થતાં મોટા આર્થિક નુકસાનથી બચાવી લીધું છે. ગ્રામજનોએ ખનન ચોરી કરીને નીકળી રહેલી અનેક ટ્રકોને ઘેરી લીધી હતી. ત્યારબાદ રેતી ભરેલી ટ્રકોને ઉભી રાખી ખનીજ વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ ખનીજ વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કોની રહેમથી આ ખનીજ ચોરી થઇ રહી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થતાં ભૂ માફિયાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે.  બનાસકાંઠા જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમછતાં રેતીચોરી ચાલુ રહેતા ખાણખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.