રિપોર્ટ@બનાસકાંઠા: વીમો પકવવા માટે યુવાને કર્યું પોતાના જ મોતનું કારસ્તાન, ખુલાસો થતા પોલીસ પણ ચોંકી

 
ઘટના

એક વ્યક્તિની દફનાવેલી લાશને કારમાં લાવીને મુકી સળગાવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વીમો પકવવા માટે બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વીમો પકવવા માટે એક વ્યક્તિએ એવું કારસ્તાન કર્યું છે તેનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જાણકારી મુજબ બનાસકાંઠામાં વડગામના ધનપુરામાં એક વ્યક્તિએ વીમો પકવવા માટે પોતાના જ મોતનું ષડયંત્ર કર્યું હતુ જેનો આજે પર્દાફાશ થયો છે. મુજબ બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક 6 દિવસ અગાઉ કાર સાથે સળગી ગયેલા અજાણા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં દલપતસિંહ નામના વ્યક્તિએ તેના મિત્રો સાથે મળીને ચાર માસ અગાઉ મૃત્યુ પામેલા એક વ્યક્તિની દફનાવેલી લાશને કારમાં લાવીને મુકી સળગાવી હતી.જાણકારી મુજબ ઢેલાણા ગામના મૃત્યુ પામેલા રમેશભાઈ તળશીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી પ્રવાહી છાંટી કાર સળગાવી દીધી હતી.જે બાદ કાર દલપતસિંહ પરમારની છે અને તે આ કારમાં સળગીને મૃત્યુ પામ્યો છે તેવો દાવો કરવામા આવ્યો હતો. જેમાં દલપતસિંહના ભાઈએ પણ આ લાશ પોતાના ભાઈની હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે કંકાલ બની ગયેલા હાડકાના અવશેષોનો FSL અને DNA રિપોર્ટ તપાસ માટે મોકલ્યો હતો અને પોલીસને ક્રાઇમ સ્પોટ ઉપરની થીયરી જોતા આ મામલો કોઇ મોટા ષડયંત્ર હોવાની શંકા જતા આ મામલે ની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન પોલીસને મહત્ત્વના પુરાવા મળ્યા હતા.આ તપાસમાં જાણવા મળ્યુ કે, આ લાશ ચાર માસ અગાઉ મરી ગયેલા વ્યક્તિની છે.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે, વડગામ તાલુકાના ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાન કરસનભાઈ પરમારએ દેવું ચૂકવવા માટે કારસ્તાન રચ્યું હતું. તેને દેવું ચૂકવવા વિમાના 1.26 કરોડ પાસ કરાવવા માટે તેને સ્મશાનમાંથી લાશ કાઢી કાર સાથે સળગાવી દીધી હતી.એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા 26 લાખનો એલ.આઇ.સી વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરવવા માટે ઢેલાણા ગામના મૃત્યુ પામેલા રમેશભાઈ તળશીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી પ્રવાહી છાંટી કાર સળગાવી દીધી હતી. જેથી આ મામલે પોલીસે કારસ્તાર રચનાર ત્રણ સાગરીતોની અટકાયત કરી છે જ્યારે મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાન કરસનજી પરમાર ફરાર છે.