રિપોર્ટ@બનાસકાંઠા: ખેતીની જમીન બિનખેતી કર્યાં વિનાજ શાળા બનાવી દેવાઈ, વીજ કનેકશન માંગતા પ્રકરણ બહાર આવ્યું
શાળા વિધાર્થીઓને ભણવા લાયક તો બની પણ નથી અને કરોડો ખર્ચ કરી દેવાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાં ફરી શિક્ષણ વિભાગ બદનામ થયું છે. દાંતીવાડા તાલુકામાં આવેલા ગોઢ ગામમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી સરકારી શાળા છેલ્લા ચાર વર્ષથી નકામી બની છે શિક્ષણ વિભાગની લાલીયાવાડીથી હાલમાં આ શાળાની હાલત સાવ ખંડેર બની છે.આ શાળાની મંજુરી સરકારમાંથી વર્ષ 2017 ની સાલમાં મળી હતી જે બાદ શાળા બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા કરાઈ અને તે બાદ વર્ષ 2020,21માં શાળાનું નિર્માણ કરી દેવાયું હતું.
આ વિસ્તારના લોકો દ્વારા શાળાની માંગણી કરાતા વિધાર્થીઓને સારું અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા એક સુંદર શાળા સંકુલ બનાવવા અંદાજીત 1 કરોડો 40 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે નાણાં ખર્ચ થયા અને આ ગામમાં એક સુંદર શાળા સંકુલ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે પરંતુ સંકુલ બન્યાના ત્રણ વર્ષ જેટલો સમય વિત્યા પછી પણ આ ગામને હજુ સુધી આ શાળાનો લાભ નથી મળી રહ્યો કારણકે સરકારી બાબુઓની બે-જવાબદારીથી શાળામાં વિજ કનેકશન નથી મળી રહ્યું.
જમીન હકીકત પ્રમાણે સ્થાનિક એક વ્યક્તિ દ્વારા બાળકોને સારું શિક્ષણ આપવા અને શાળા બનાવવા સરકારને પોતાની મહામૂલી જમીન પણ આપી છે પરંતુ વિધાર્થીઓ ને સારું શિક્ષણ મળવાનું સપનું રોળાયુ છે.શાળાના પ્રિન્સિપાલ દ્વારા વીજ કનેકશન માંગવા યુજીવીસીએલ કચેરીમાં માંગણી કરી ત્યારે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે.