રીપોર્ટ@બારીયા: મુખ્ય સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘટ/હાજરી વિશે ચોંકાવનારી તસ્વીરો/હકીકતો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દેવગઢબારિયા નગરમાં આરોગ્ય વિભાગની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એક તો સ્થાનિક વ્યક્તિના વિડિયોથી ડોક્ટરોની/તબીબોની કથિત ગેરહાજરીનો સવાલ ઉભો થયો છે. જ્યારે બીજી તરફ સૌથીવધુ જરૂરિયાત છે તેવા ડોક્ટરોની ઘટ છે ત્યારે બંને તરફે દર્દીઓની હાલત કફોડી બની છે. અકસ્માતના કિસ્સામાં તો આ હોસ્પિટલ મોટાભાગે દર્દીઓની સારવાર કરી શકતી નથી. બાળકોના ડોક્ટરની ઘણાં મહિનાઓથી ઘટ હોવાથી માતાપિતાઓને તો જયદિપસિંહજી સરકારી હોસ્પિટલથી વિલા મોઢે પાછું જવું પડે છે. વિડિયોને પગલે તબીબોની શંકાસ્પદ/કથિત ગેરહાજરી અને અતિ મહત્વના ડોક્ટરો જ નથી તે મામલે વિગતવાર સમજીએ.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે જયદિપસિંહજી સરકારી હોસ્પિટલ ઘણા વર્ષોથી દર્દીઓ માટે ઉપલબ્ધ છે પરંતુ ગઈકાલે સારવાર અર્થે પોતાનાં સગાંને લઈ ગયેલા એક નાગરિકને દોડધામ કરવી પડી હતી. તબીબો/અધિકારીઓના કક્ષ ખાલીખમ જોવા મળતાં ઘડીભર સ્થાનિક નાગરિક ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક અસરથી વિડિયો લઇ ઈમરજન્સી વિભાગમાં પહોંચી ગયા હતા. આ બાબતે હોસ્પિટલના સત્તાવાળાઓને ધ્યાને આવતાં તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા પરંતુ આ બાબતે જ્યારે હોસ્પિટલના ડો. રહીમ મેમણને પૂછતાં જણાવ્યું હતુ કે, સેવા આપતાં તબીબો દરરોજ સમયસર ઉપલબ્ધ હોય છે પરંતુ એક મેડિકલ ઓફિસર અને બે અતિ મહત્વના ડોક્ટરની ઘટ ચાલે છે. જેમાં પિડીયાટ્રિશ્યન અને ઓર્થોપેડીક ડોક્ટરની જગ્યા ખાલી હોવાથી બાળ દર્દી અને અકસ્માતવાળા દર્દીઓની સારવાર થઈ શકતી નથી. હવે નીચેના ફકરામાં વાંચો ચોંકાવનારી વિગતો.
સમગ્ર મામલે હોસ્પિટલના અધિક્ષક ડો. મેમણે હાલની તબીબી સેવાઓ બાબતે બચાવ લીધો પરંતુ એક્સ રે મશીનની ઘટ, બાળકોના અને હાડકાંના ડોક્ટર સરકારમાંથી જ નથી તેવું કહી મોટો ઘટસ્ફોટ કર્યો હતો. વધુ સવાલ પૂછતાં જણાવ્યું કે, અકસ્માતના અનેક કેસો આવતાં હોય છે પરંતુ ડોક્ટરના અભાવે સારવાર થઈ શકતી નથી તેમ કહેતાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની આ ક્ષતિ સામે આવી ગઈ છે. આ મામલે સૌથી મોટા સવાલો થાય કે, ઘટ પૂરતી કરવી જોઈએ પરંતુ જે તબીબો ઉપલબ્ધ છે શું તેઓની હાજરી નિયત સમયસુધી દરરોજ જળવાઈ રહે છે કે કેમ ?