રીપોર્ટ@બારીયા: સરકારી હોસ્પિટલમાં ડોક્ટરી સેવામાં બપોર પછી સન્નાટો શરૂ થાય, અધિક્ષક કેવીરીતે અજાણ હોય?

 
Bariya
દર્દીને મશીનરી રીપોર્ટ કરાવવા જતાં ચોંકાવનારો અનુભવ થયો 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દેવગઢબારિયા તાલુકાની સૌથી મોટી જે.એસ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં તબીબી સેવામાં વારંવાર ગુલ્લીબાજી થતી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. દર્દીઓ જરૂરી સારવાર અર્થે જાય કે રીપોર્ટ માટે જાય ત્યારે ડોક્ટરી સેવા બપોર પછી નથી તેવા જવાબ મળે છે. આ જવાબો કેમેરામાં કેદ થાય છે, અધિક્ષકને જાણ થાય છે, બોલ્યા પછી ફેરવી તોડવામાં આવે છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી. આ બાબતે અનેકો સવાલ અધિક્ષક મેમણને થાય ત્યારે ક્યારેક ડોક્ટર બીજી સેવામાં હતા અથવા કામથી બહાર ગયા હતા, તો ક્યારેક એવું કહે કે, સ્ટાફની અછત રહે છે પરંતુ ઉપસ્થિત અને કાગળ ઉપર ખર્ચો પડતી તબીબી સેવા કેવી રીતે ગુલ્લીબાજ બની શકે? આજે તબીબી સેવામાં ક્યાં કેવી ફરજમાં ચોરી થાય તેનો સ્પેશ્યલ રીપોર્ટ.

દાહોદ જિલ્લાની દેવગઢબારિયાની જે.એસ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં નાયબ નિયામક કચેરીના અધિકારીઓની ઓચિંતી તપાસ જરૂરી બની છે. દેવગઢબારિયા શહેર કે ગ્રામ્યમાંથી આવતાં દર્દીઓ બપોરના સમયે અથવા બપોર પછી હોસ્પિટલમાં જાય તો તબીબી સેવામાં ગેરહાજરીનો કડવો અનુભવ કરે છે. અગાઉ એક કિસ્સામાં હોસ્પિટલમાં ગયેલા દર્દીએ મોટાભાગના રૂમમાં તબીબોની ગેરહાજરી નોંધી હતી. આ દરમ્યાન સારવાર માટે ખૂબ દોડધામને અંતે જરૂરી ડોક્ટર સાહેબના દર્શન થયા હતા. હવે આવું ફરી એકવાર અચાનક એક દર્દીને મશીનરી રીપોર્ટ કરાવવા જતાં ચોંકાવનારો અનુભવ થયો હતો. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક દર્દીને સારવારની પ્રક્રિયા દરમ્યાન ડોક્ટરે સોનોગ્રાફી કરાવવા લખી દીધું અને દર્દી જ્યારે તે રૂમમાં ગયા તો નર્સ સ્ટાફે જવાબ આપ્યો તે સાંભળી ચોંકી જશો. દર્દીને એક્ષ રે માટે નર્સ જણાવે છે કે, બપોર પછી સાહેબ ના હોય, બપોર પછી ઈમરજન્સી કેસ હોય તો જ સોનોગ્રાફી થાય ત્યારે દર્દીને પગ તળેથી જમીન સરકી જાય તેવી સ્થિતિ બની હતી. હવે આ જવાબ પછી ખાત્રી કરતાં સામે આવ્યું કે, સવારથી બપોર અને બપોર પછીથી સાંજ એમ બે ગાળામાં સોનોગ્રાફી સેવા ચાલું હોય છે. તો અહિં સવાલ થાય કે, શું અધિક્ષકને ખબર નથી હોતી કે, તબીબી સેવામાં ગેરહાજરી વારંવાર થાય છે અથવા શું અધિક્ષક ફરજમાં ચોરી થવા દેવા મજબૂર છું કે કોઈ કારણે ઈચ્છુક છે? અહિં વારંવાર આવી ઘટના બનતી હોઈ નાયબ નિયામક અથવા ખુદ આરોગ્ય મંત્રીએ ઓચિંતી તપાસ ગોઠવવી જોઈએ તેવી લોક માંગ છે.