રીપોર્ટ@ભરૂચ: કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ, લાખોના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ

 
કૌભાંડ
ટેન્કર અને કેમિકલ સહિત કુલ 79,88,967નો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. દહેજ-ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ઝાલા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થઈ રહી છે.

પોલીસે તાત્કાલિક ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કેટલાક ઇસમો કેમિકલના ટેન્કરમાંથી વાલ્વ મારફતે ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી મુલારામ બાબુલાલ શર્મા અને દાલુરામ રામાંરામ જાનીની અટકાયત કરી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ ગિરધરસિંગ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ટેન્કર અને કેમિકલ સહિત કુલ 79,88,967નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.