રીપોર્ટ@ભરુચ: વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 70 કર્મીઓની બદલી, પોલીસ બેડામાં ભારે ખળભળાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ મહત્ત્વપૂર્ણ આદેશ જારી કરીને જિલ્લાના 70 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરી છે. આ મોટા ફેરફારને કારણે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસ વિભાગ દ્વારા વહીવટી પારદર્શિતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે આ આકરો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાય છે. 56 પોલીસકર્મીઓ છેલ્લા 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેમની બદલી કરવામાં આવી છે.
વહીવટી અનુકૂળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને અન્ય 14 પોલીસકર્મીઓની પણ બદલીના આદેશ અપાયા છે.અગાઉ પ્રથમ તબક્કામાં જિલ્લાના અનેક PI અને PSI ની બદલી કરવામાં આવી હતી. હવે બીજા તબક્કામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની બદલી કરીને જિલ્લા પોલીસવડાએ સમગ્ર પોલીસ તંત્રને નવેસરથી ગોઠવવાની કવાયત હાથ ધરી છે. નવી નિમણૂકો બાદ હવે ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તેવી આશા રાખવામાં આવી રહી છે.

