રીપોર્ટ@ભાવનગર: ડોળીયા ગામની પ્રાથમિક શાળા પર વાલીઓએ તાળા લગાવ્યા, જાણો સમગ્ર મામલો

 
વિરોધ
વાલીઓએ આચાર્ય અને શિક્ષકો પર ગંભીર આરોપો લગાવ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોળીયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો પર બાળકોને હેરાન કરવાના આરોપો લાગ્યા છે. જેના કારણે વાલીઓએ શાળા પર તાળું લગાવ્યું છે.આજે 10 નવેમ્બર, 2025 વાલીઓએ આચાર્ય અને શિક્ષકોની તાત્કાલિક બદલીની માંગ કરી છે, અને બદલી ના થાય તો શાળા નહીં ખોલવાની ચીમકી આપી છે. તાળાબંધીથી શિક્ષણને અડચણ આવી છે.તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીઓ પહોંચી વાલીઓ સાથે વાતચીત કરી, પરંતુ વાલીઓ આ તાળું ન ખોલવના મુડમાં છે.

ડોળીયા ગામની પ્રાથમિક શાળા (ધોરણ 1થી 5)માં લગભગ 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલીઓએ આચાર્ય અને શિક્ષકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે, આચાર્ય અને શિક્ષકો બાળકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરે છે, જેમાં મારપીટ, અપમાન અને અન્યાયી સજા આપવાનો સમાવેશ થાય છે.મહુવા તાલુકા શિક્ષણ અધિકારીઓએ તાળાબંધીની જાણ થતાં તુરંત ડોળીયા ગામ પહોંચી વાલીઓ સાથે વાતચીત કરી. તાલુકા DEOએ જણાવ્યું, “વાલીઓની ફરિયાદ પર તપાસ ટીમ રચી છે, અને આચાર્ય અને શિક્ષકોના વર્તનની તપાસ કરીશું.આરોપો સાબિત થાય તો બદલી અને અન્ય કાર્યવાહી થશે.”

વાલીઓએ તપાસ રિપોર્ટની રાહ જોવાની વાત કરી, પરંતુ તાત્કાલિક બદલીની માંગ જણાવી. શિક્ષણ વિભાગે શાળા પરના તાળા ખોલવા માટે વાલીઓને સમજાવ્યા, પરંતુ તેઓ વિના શરતો ના માન્યા. ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીઓએ પણ માહિતી મેળવી છે, અને તપાસમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોને પણ સામેલ કરવામાં આવશે.