રીપોર્ટ@ભુજ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત, સરહદી ગામોમાં ખાટલા બેઠક કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. જિલ્લા મથક ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું અને બાળાઓએ ફૂલોથી સ્વાગત્ કર્યું હતું. જે બાત તેઓએ માતાના મઢે પહોંચી મા આશાપુરના દર્શન કર્યા હતા. તેઓ આજે 30 સિનિયર IPS અધિકારીઓ સાથે સરહદી ગામડાઓની મુલાકાત લઇને ખાટલા બેઠક કરશે.
તેઓ આજે લખપત તાલુકાના ભારત-પાકિસ્તાન સરહદ પરના ગામડાઓની મુલાકાત લેશે. તેમની સાથે 30 સિનિયર ઈંઙજ અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય, સુરત સીપી અનુપમસિંહ ગેહલોત, ડો.કે.એલ.એન રાવ, સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ટ્રેનમાં તેઓ કચ્છ પહોંચ્યા હતા.
તેમણે ભુજ બાદ 12:30 કલાકે માતાના મઢે આશાપુરા માતાજીના મંદિરે શીશ ઝુકાવી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માતાનામઢ મંદિર જાગીર ટ્રસ્ટ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું ઢોલ-શરણાઇના નાદ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી તેઓ લખપત તાલુકાના સરહદી ગ્રામીણ વિસ્તારોની મુલાકાતે જશે.સાંજે 6:00 વાગ્યે તેઓ કોટેશ્વર બીઓપી ખાતે જવાનો સાથે સંવાદ કરશે. રાત્રે 7:50 કલાકે કપુરાસીમાં ડિનર લીધા બાદ લોકો સાથે 'ખાટલા બેઠક' યોજી સભા કરશે.

