પર્દાફાશ@છોટાઉદેપુર: નગરપાલિકાના નામે બોગસ ઘરવેરાની પાવતીઓ બનાવી વીજ કનેક્શન મેળવવાનું કૌભાંડ, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છોટાઉદેપુરમાંથી નગરપાલિકાના નામે બોગસ ઘરવેરાની પાવતીઓ બનાવીને વીજ કનેક્શન મેળવવાનો કૌભાંડ સામે આવ્યું છે. વોર્ડ નંબર 3માં ચાર થી પાંચ જેટલા કિસ્સાઓ સામે આવતા નગરપાલિકા હરકતમાં આવી છે. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 માં મકાન માલિકો દ્વારા નગરપાલિકાના નામે બોગસ ઘરવેરાની પાવતીઓ તૈયાર કરી. મધ્ય ગુજરાત વીજ કંપની પાસે વીજ કનેક્શન મેળવવામાં આવ્યા છે. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે એક જાગૃત નાગરિકે લેખિતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઈજનેરને રજૂઆત કરી.
ફરિયાદના આધારે મધ્ય ગુજરાત વીજ કંપનીએ નગરપાલિકાને પત્ર લખી તપાસ કરવા જણાવ્યું. નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં ચારથી પાંચ જેટલી બોગસ પાવતીઓ બનાવવામાં આવી હોવાની પુષ્ટિ થઈ છે અને વધુ તપાસ ચાલુ છે. આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. હાલ આ સમગ્ર મામલે નગરપાલિકા ની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. સરકારી પાવતીઓ બોગસ બનાવનાર સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે જાણવું રહ્યું.

