રિપોર્ટ@દેશ: મ્યાનમારમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2056 લોકોના મોત, 3900થી વધુ લોકો ઘાયલ

હજુ પણ 270થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2056 લોકોના મોત થયા છે. જ્યારે 3900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મ્યાનમારની શાસક સરકારે સોમવારે આ જાણકારી આપી. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. પરંતુ હજુ પણ 270થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રાહત કાર્ય વચ્ચે સોમવારે એક મહિલાને મંડલેની ગ્રેટ વોલ હોટેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. ત્રણ દિવસથી કાટમાળ નીચે દબાયા હોવા છતાં બચી જવાની આ ઘટનાએ બચાવ કાર્યમાં લાગેલા લોકોમાં આશા જગાવી છે.
મ્યાનમારમાં ચીની દૂતાવાસે માહિતી આપી હતી કે મહિલાની હાલત હાલમાં સ્થિર છે. મંડલે ભૂકંપના કેન્દ્રની નજીક આવેલું છે અને અહીં સૌથી વધુ નુકસાન નોંધાયું હતું. ભૂકંપની અસર મ્યાનમાર સિવાય થાઈલેન્ડ સહિત ઘણા પડોશી દેશોમાં પણ જોવા મળી હતી.આ ભૂકંપના કારણે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ તબાહી જોવા મળી હતી. અહીં ભૂકંપના કારણે એક નિર્માણાધીન ગગનચુંબી ઈમારત ધરાશાયી થઈ ગઈ. જેમાં 76 લોકો ફસાઈ ગયા. રાહત ટીમો સતત બચાવ કાર્યમાં લાગેલી છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. થાઈલેન્ડમાં રવિવાર સુધીમાં મૃત્યુઆંક 18 હતો. પરંતુ અધિકારીઓને આશંકા છે કે કાટમાળ સાફ થઈ જતાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.