રીપોર્ટ@દેશ: દિલ્હીમાં PM નિવાસસ્થાને 4 કલાકની બેઠક, ગુજરાત મંત્રીમંડળમાં મોટા ફેરફારની સંભાવના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તાજેતરના દિલ્હી પ્રવાસ અને વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકને કારણે મંત્રીમંડળના ફેરબદલની અટકળોએ જોર પકડ્યું છે. આ બેઠક લગભગ ચાર કલાક ચાલી હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હીમાં ગુજરાતના નેતાઓ વચ્ચે બેઠકોનો જે દોર ચાલી રહ્યો છે, તેનાથી ગુજરાત ભાજપના આંતરિક વર્તુળોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ગઈકાલે મોડી રાત સુધી પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં સંભવતઃ ગુજરાતના નવા મંત્રીમંડળની રચના અને ફેરબદલ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક બાદ રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ અથવા ફેરબદલ નિશ્ચિત મનાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે મુખ્યમંત્રી અને પાર્ટીના ટોચના નેતૃત્વ વચ્ચે આ મુદ્દે અંતિમ ચર્ચા થઈ ચૂકી છે.
મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, જ્યારે કેટલાક વર્તમાન મંત્રીઓની જવાબદારીઓમાં ફેરફાર થઈ શકે છે અથવા તો કેટલાક મંત્રીઓની વિદાય પણ થઈ શકે છે. સચિવાલય અને વિધાનસભા સંકુલમાં હાલમાં સૌથી મોટી ચર્ચા એ છે કે આ ફેરબદલની જાહેરાત દિવાળી પહેલા થશે કે પછી. મંત્રીમંડળના ફેરબદલ ઉપરાંત, આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી નિમિત્તે કેવડિયાના એકતા નગરમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમ અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળ કરવામાં આવશે, જેમાં વિવિધ રાજ્યોના પ્રદર્શનો, અર્ધલશ્કરી દળોની હાજરી અને દેશભરના પ્રતિનિધિઓની ભાગીદારીનો સમાવેશ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે માત્ર 40 દિવસના ગાળામાં જ આ બીજીવાર વડાપ્રધાન અને મુખ્યમંત્રીની મુલાકાત થઈ છે. રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.