રીપોર્ટ@દેશ: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા 4 મહત્ત્વના નિર્ણય, અમદાવાદ-ધોલેરા સેમિ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી

 
કેબિનેટ
કુલ રૂપિયા 3,18,165 કરોડની મહત્ત્વની યોજનાઓને મંજૂરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજની કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 4 મહત્ત્વના નિર્ણય લેવાયા છે. અમદાવાદથી ધોલેરા વચ્ચે સેમિ હાઈ સ્પીડ ડબલ-લાઇન રેલ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી અપાઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ સરકારે કેબિનેટ બેઠકમાં કુલ રૂપિયા 3,18,165 કરોડની મહત્ત્વની યોજનાઓને મંજૂરી અપાઈ છે.

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ધોલેરામાં ભારતનો પ્રથમ સેમિ કન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે અને તેને એક વિશાળ ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે વિકસાવાઈ રહ્યું છે. ત્યારે આજે કેબિનેટ બેઠકમાં સેમિ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. જેની પાછળ અંદાજે રૂ. 20,665 કરોડનો ખર્ચ કરાશે. આ પ્રોજેક્ટથી ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે, જે સેમિ કન્ડક્ટર ઉદ્યોગ અને સ્થાનિક વેપાર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. અમદાવાદ થી ધોલેરા વચ્ચે અંદાજિત 134 કિમીનું અંતર છે.  સેમી હાઈ સ્પીડ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે જેથી માત્ર 40 મિનિટમાં પહોંચી જવાશે. 2030-31 સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે થકી વર્ષ 2026-27ની સિઝન માટે ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવ પેટે રૂપિયા 2,60,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશને ઊર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા માટે રૂપિયા 37,500 કરોડની કોલ ગેસિફિકેશન યોજનાને મંજૂરી અપાઈ છે. નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન માટે મહત્ત્વનો પોલિસી નિર્ણય લેવામાં આવ્યો છે.