રીપોર્ટ@દેશ: મહાયુદ્ધના ભણકારા વચ્ચે PM મોદીએ CCSની બેઠક બોલાવી, લેવાયો મોટો નિર્ણય, જાણો

 
Modi
ભારતની આર્થિક અને વ્યાપારી ગતિવિધિઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઈરાન પડોશી દેશોમાં આવેલા અમેરિકી એરબેઝ પર મિસાઈલ હુમલા કરી રહ્યું છે, જેના તાર UAE, કતાર અને બહેરીન સુધી જોડાયેલા છે. આ ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CCS ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ૨૮ ફેબ્રુઆરીએ ઈરાનમાં થયેલા એર સ્ટ્રાઈક અને ત્યારબાદ વધેલી હિંસાની આર્થિક અને સુરક્ષા અસરો પર ચર્ચા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને જલ્દી સમાપ્ત કરવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.ટોચના અધિકારીઓએ કમિટીને વિસ્તારની વર્તમાન સ્થિતિ અને તેનાથી ભારતના વ્યાપારી હિતો પર થનારી અસરો વિશે વિગતવાર માહિતી આપી હતી.

ખાડી દેશોમાં લાખો ભારતીયો વસે છે, તેમની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. CCS ની બેઠકમાં આ વિસ્તારમાં રહેતા ભારતીય પ્રવાસીઓની સેફ્ટી અને સિક્યોરિટી અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત, ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા સંબંધિત વિભાગોને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ભારતની આર્થિક અને વ્યાપારી ગતિવિધિઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. કાચા તેલના ભાવ અને સપ્લાય ચેઈન પર થનારી અસરોની સમીક્ષા કરવામાં આવી હતી. CCS એ અસરગ્રસ્ત ભારતીય નાગરિકોની મદદ માટે શક્ય તમામ પગલાં ભરવા અને વિદેશ મંત્રાલયને સતત સંપર્કમાં રહેવા સૂચના આપી છે.કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ દેશની સુરક્ષા અને વ્યૂહાત્મક બાબતો પર નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપસ્થિત રહ્યા હતા.