રિપોર્ટ@દેશ: અમિત શાહે કરી 'હાઈ-લેવલ કમિટી'ની જાહેરાત, ઘૂસણખોરો સામે અત્યાર સુધીનું સૌથી મોટું ચક્રવ્યૂહ રચ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતની સરહદોમાં ચોરી-છૂપીથી ઘૂસીને, અહીંનું રાશન ખાઈને અને નકલી કાગળો બનાવીને આ દેશની ડેમોગ્રાફી બદલવાનું સપનું જોઈ રહ્યા હતા, તેમની ઊંધી ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે. મોદી સરકારે દેશની અંદર છુપાયેલા આ સાઈલેન્ટ ટાઈમ બોમ્બને ડિફ્યુઝ કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું અને કડક ચક્રવ્યૂહ રચી દીધું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જે મહા-મિશનનો સંકલ્પ લીધો હતો, આજે ગૃહમંત્રી અમિત શાહે તેના પર મહોર મારતા 'હાઈ-લેવલ કમિટી ઓન ડેમોગ્રાફિક ચેન્જ'ની રચનાની જાહેરાત કરી દીધી છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે આની જાહેરાત કરી છે. સ્પષ્ટ છે કે, હિન્દુસ્તાનની છાતી પર ગેરકાયદેસર રીતે રહેતા એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને દૂર કરવામાં આવશે અને દેશની સુરક્ષા સાથે રમત કરનારાઓને સીધો રસ્તો બતાવવામાં આવશે.
અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જે હાઈ-લેવલ કમિટી ઓન ડેમોગ્રાફિક ચેન્જની જાહેરાત કરી હતી, સરકારે હવે તે હાઈ-પાવર કમિટીની સત્તાવાર રચના કરી લીધી છે. આ કમિટી માત્ર કાગળની કાર્યવાહી માટે નથી બની, પરંતુ આનો સીધો હેતુ દેશની સરહદોમાં ગાબડું પાડીને ઘૂસેલા ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવાનો, ડેમોગ્રાફીમાં આવી રહેલા અસામાન્ય અને અકુદરતી ફેરફારોને અટકાવવાનો અને ભારતની સંપ્રભુતાની રક્ષા કરવાનો છે.
તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ડેમોગ્રાફિક ચેન્જ આપણી સંપ્રભુતાની સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, સામાજિક સંરચનામાં ગંભીર ફેરફાર અને આદિવાસી સમાજના સંરક્ષણ સાથે જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. આ કમિટી, ગેરકાયદેસર સ્થળાંતર અને અન્ય અસામાન્ય કારણોસર સમગ્ર ભારતમાં થઈ રહેલા ડેમોગ્રાફિક ચેન્જનું વ્યાપક મૂલ્યાંકન કરશે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈપણ દેશની સામાજિક અને ધાર્મિક સંરચનાને વિદેશી ઘૂસણખોરોના જોરે બદલવાની મંજૂરી આપી શકાય નહીં. ચાહે તે આસામના આદિવાસી વિસ્તારો હોય, ઝારખંડનું સંથાલ પરગણા હોય કે પછી દેશના અન્ય ભાગો… જ્યાં-જ્યાં પણ અસામાન્ય રીતે વસતિનું સંતુલન બગડ્યું છે, ત્યાં હવે સરકારનો હંટર ચાલવાનો છે.
ગૃહમંત્રી અમિતશાહે ઘૂસણખોરોને બહાર કરવા માટે જે હાઈ પાવર કમિટી બનાવી છે.તેમાં ખૂબ જ અનુભવી ચહેરાઓ છે. આ ટીમ કોઈપણ દબાણમાં આવ્યા વિના, વૈજ્ઞાનિક અને કાનૂની રીતે ઘૂસણખોરોના પેટર્નનો પર્દાફાશ કરશે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકરને આ અત્યંત મહત્વપૂર્ણ કમિટીની કમાન સોંપવામાં આવી છે. પોતાની નિષ્પક્ષતા, સખત કાનૂની સમજ અને બંધારણીય બાબતોમાં ઊંડી પકડ માટે તેઓ જાણીતા છે. સ્પષ્ટ છે કે કમિટીનો દરેક નિર્ણય કાનૂની રીતે અચૂક હશે.
કમિટીમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય સચિવ અને રિટાયર્ડ IAS અધિકારી શ્રી દુર્ગા શંકર મિશ્રા અને રિટાયર્ડ IPS અધિકારી બાલાજી શ્રીવાસ્તવને સામેલ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓનો ટ્રેક રેકોર્ડ ગુનેગારો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અત્યંત સખત રહ્યો છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને પીએમની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય ડૉ. શમિકા રવિને આમાં જગ્યા આપવામાં આવી છે, જે વસતિ અને સામાજિક ફેરફારોના ડેટાનું સચોટ વિશ્લેષણ કરશે.દેશના વસતિ ગણતરી કમિશનર પોતે આ કમિટીના સભ્ય હશે અને ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવને (ફોરેનર્સ-I) આના સભ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. એટલે કે, ગૃહ મંત્રાલય સીધું આ કમિટીના દરેક રિપોર્ટ અને એક્શન પર નજર રાખશે.

