રીપોર્ટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આકાશી આફત, અનેક મકાનો કાટમાળમાં ફેરવાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં 3 લોકોના મોતની પુષ્ટી થઇ હતી. રેસ્ક્યૂ શરૂ કરાતાં કુલ 7 મૃતદેહો મળી આવ્યા હતા. હજુ પણ અભિયાન ચાલુ છે અને અનેક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. તંત્રનું કહેવું છે કે અનેક મકાનો અચાનક આવેલા પુલમાં ધોવાઈ ગયા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અનેક રસ્તાઓ પણ ધોવાઈ જતાં લોકોને અવર-જવરમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રામબનના રાજગઢ વિસ્તારમાં આભ ફાટ્યાની ઘટના બની હતી.રેસ્ક્યૂ ટીમ દ્વારા પણ કાટમાળમાં દટાઈ ગયેલા અને નદી અને માટીના વહેણમાં ફસાઈ ગયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધારાની રેસ્ક્યુ ટીમને પણ ઘટનાસ્થળે રવાના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત વરસાદને કારણે રેસ્ક્યુમાં પણ તકલીફ પડી રહી છે કેમ કે નદીના જળસ્તરમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. લોકોને સાવચેત રહેવા તંત્ર તરફથી એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રભાવિત લોકો માટે અસ્થાયી રાહત કેમ્પની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.