રીપોર્ટ@ગુજરાત: આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળ'નું વિસ્તરણ, નવા મંત્રીઓ લેશે શપથ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણને લઈ લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને ટૂંક સમયમાં જ 'દાદાના મંત્રીમંડળ'નું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. નવા મંત્રીઓ 17 ઓક્ટોબર, શુક્રવારના રોજ શપથ લેશે.મંત્રીમંડળના વિસ્તરણની વિધિ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીશ્રીઓનો શપથ વિધિ શુક્રવાર, 17 ઓક્ટોબરે સવારે 10.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે.
આ શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે કયા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપે છે અને કયા ધારાસભ્યોને પડતા મૂકે છે, તેના પર સૌની નજર ટકેલી છે.આ વિસ્તરણ દ્વારા સરકારમાં સંગઠનાત્મક અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને લેઉવા પાટીદાર ફેક્ટરને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. સાથે જ પાટીદાર, OBC, કોળી, SC-ST અને ઉત્તર-દક્ષિણ-મધ્ય ગુજરાતના સંતુલન પર પણ પાર્ટી ધ્યાન રાખશે. હાલના મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા, પરશોત્તમ સોલંકી અને મુકેશ પટેલને ફરીથી લોટરી લાગી શકે છે.