રીપોર્ટ@દેશ: 2026ના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો, ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026નું બજેટ રજૂ કરતા ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે સરકારે હવે પરંપરાગત ખેતીની સાથે 'હાઈ વેલ્યૂ ક્રોપ' અને આધુનિક ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બજેટમાં નાળિયેર, કાજુ અને કોકોના ઉત્પાદનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
નાળિયેરની ખેતી કરતા રાજ્યોમાં જૂના અને ક્ષતિગ્રસ્ત વૃક્ષોને હટાવી નવી ઉચ્ચ ગુણવત્તાવાળી જાતોના વાવેતર માટે સહાય અપાશે. વર્ષ 2030 સુધીમાં ભારતીય કાજુ અને કોકોને 'પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડ' બનાવવા માટે વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેથી ભારત આ ક્ષેત્રે આત્મનિર્ભર બની નિકાસ વધારી શકે. સરકારે ખેતીમાં વિજ્ઞાનનો સમન્વય કરતા બે મોટી પહેલ કરી છે. કૃષિ ઉત્પાદકતા વધારવા અને રોગ-જીવાતની સચોટ આગાહી માટે ખેતીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ખાસ 'શી-માર્ટ્સ'ની સ્થાપના કરવામાં આવશે, જ્યાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ થઈ શકશે. નાણાંમંત્રીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે 500 નવા જળાશયો વિકસાવવાની જાહેરાત કરી છે.

