રીપોર્ટ@દેશ: CBSEનો મોટો નિર્ણય, ધોરણ 10 પાસ કરવા માટે આ પરીક્ષા આપવી જ પડશે

 
નિર્ણય
ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી જ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માળખા હેઠળ શાળાકીય શિક્ષણમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે. બોર્ડે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ‘ત્રીજી ભાષા’નું ઇન્ટરનલ એસેસમેન્ટ એટલે કે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત બનાવ્યું છે. શૈક્ષણિક સત્ર 2027-28 થી ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ પાસ સર્ટિફિકેટ મેળવવા માટે શાળા કક્ષાએ લેવાતી આ ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી જ પડશે.

CBSE દ્વારા 10 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, આ ફેરફાર શૈક્ષણિક સત્ર 2026-27 માં ધોરણ 9 માં પ્રવેશ મેળવતા અને 2027-28 માં ધોરણ 10 માં આવતા વિદ્યાર્થીઓને લાગુ પડશે. જોકે, રાહતની વાત એ છે કે આ ત્રીજી ભાષા (R3) ની મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામાં નહીં આવે. પરંતુ, શાળા દ્વારા લેવાતા આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ક્વોલિફાઇંગ સબ્જેક્ટ તરીકે ફરજિયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10 ની આ આંતરિક પરીક્ષામાં નાપાસ થશે, તો બોર્ડનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થાય તે પહેલાં શાળાએ તેની ફરીથી પરીક્ષા લેવી પડશે.

નવા નિયમો અનુસાર, જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9 માં ત્રીજી ભાષાના એસેસમેન્ટમાં નાપાસ થશે, તો પણ તેને ધોરણ 10 માં પ્રમોટ (પાસ) કરી દેવામાં આવશે. પરંતુ, તે વિદ્યાર્થીએ ધોરણ 10 માં અભ્યાસ કરવાની સાથે-સાથે ધોરણ 9 ની બાકી રહેલી ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે. આ જોગવાઈને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં, પરંતુ સેકન્ડરી શિક્ષણ પૂરું કરતાં પહેલાં ભાષાની આ શરત પૂરી કરવી જ પડશે. હાલ 2026-27 માં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપનારી બેચને આ નિયમ લાગુ પડશે નહીં.

આ અગાઉ 29 જૂનના પરિપત્રમાં બોર્ડે જાહેરાત કરી હતી કે શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 6 થી જ ત્રણ ભાષાઓનો ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. આ માળખા હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે, જેમાંથી ઓછામાં ઓછી 2 ભાષાઓ ભારતીય હોવી અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓએ અગાઉથી અંગ્રેજી સાથે વિદેશી ભાષા પસંદ કરી છે, તેઓ તે ચાલુ રાખી શકશે પરંતુ તેમણે વધારાની એક ભારતીય ભાષા પણ શીખવી પડશે. પહેલાં વિદ્યાર્થીઓ ધોરણ 8 પછી ત્રીજી ભાષા છોડી દેતા હતા, જે હવે ધોરણ 10 સુધી ભણવી પડશે.

CBSE ના આ થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલાના પરિપત્રને અદાલતમાં કાનૂની પડકાર આપવામાં આવ્યો છે. અરજીકર્તાઓએ માગ કરી છે કે ત્રીજી ભાષાના આ નિયમને વર્ષ 2029-30 સુધી લંબાવવામાં આવે. આ મામલે 13 જુલાઈના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં એક સોગંદનામું રજૂ કરીને નીતિનો બચાવ કરાયો છે. કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે શિક્ષણ એ બંધારણની સંયુક્ત સૂચિનો વિષય છે, જેથી કેન્દ્ર અને રાજ્ય બંનેને NEP લાગુ કરવાનો અધિકાર છે.