રિપોર્ટ@દેશ: ભાજપે કોંગ્રેસ પર લગાવ્યા રાષ્ટ્રગીતના અપમાનના ગંભીર આક્ષેપો, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્વતંત્રતા દિવસના દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લાલ કિલ્લા ખાતે યોજાયેલા સરકારી કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. સતત બીજા વર્ષે બંને નેતાઓએ 15 ઓગસ્ટના સરકારી કાર્યક્રમથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં બંને નેતાઓ હાજર રહ્યા હતા અને ખડગેએ ધ્વજવંદન કર્યું હતું.
આ પ્રસંગે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યાલયના કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વિવાદ સર્જાયો છે. BJPએ કોંગ્રેસ પર રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના અપમાનનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા છે.
કાર્યક્રમ દરમિયાન વંદે માતરમનું ગાન શરૂ થયું હતું. ગીતના ત્રીજા છંદ દરમિયાન રાહુલ ગાંધી ખડગે અને સોનિયા ગાંધી તરફ જોતા જોવા મળ્યા હતા. ત્યારબાદ કેમેરો સોનિયા ગાંધી તરફ જાય છે ત્યારે ચોથો છંદ શરૂ થઈ ચૂક્યો હતો. આ દરમિયાન સોનિયા ગાંધી કોઈ બાબતે અસહમત હોય તેમ દેખાયા અને તેમણે ખડગે સાથે વાત કરી. એક કોંગ્રેસ કાર્યકર્તા પણ તેમની વાત સાંભળવા નજીક આવ્યો હતો. થોડા સમય બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી અને કોંગ્રેસના નેતાઓએ ઊભા રહીને સમગ્ર રાષ્ટ્રગીત ગાયું હતું. ત્યારબાદ ખડગેએ ધ્વજવંદન કર્યું હતું.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ ગુજરાત BJPના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું. પોસ્ટમાં આરોપ મૂકવામાં આવ્યો કે કોંગ્રેસે ફરી એકવાર રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન કરીને પોતાની માનસિકતા છતી કરી છે. BJPએ એવો પણ આક્ષેપ કર્યો કે વોટબેંક રાજકારણ માટે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રગીતના ગાનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન લાલ કિલ્લા ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં આ વખતે પ્રથમ વખત વંદે માતરમનું સંપૂર્ણ ગીત કરવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના ઇન્દિરા ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજર કેટલાક કાર્યકર્તાઓએ ઘટનાને લઈને અલગ-અલગ વાતો કહી હતી. એક કાર્યકર્તાના જણાવ્યા મુજબ, સોનિયા ગાંધી કદાચ ઈશારો કરીને ખડગે માટે ખુરશી મંગાવી રહ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે તેઓ પાણી માંગી રહ્યાં હતાં. કોંગ્રેસ કાર્યકર્તા શકીલ અહેમદે દાવો કર્યો કે કોંગ્રેસમાં પરંપરાગત રીતે વંદે માતરમના 2 જ છંદ ગાવામાં આવે છે, કારણ કે પક્ષ પોતાને સેક્યુલર માને છે અને ગીતની આગળની પંક્તિઓને લઈને અન્ય સમાજના લોકોમાં અસહજતા થઈ શકે છે. તેમણે એવી શક્યતા પણ વ્યક્ત કરી કે કદાચ સોનિયા ગાંધીએ સંપૂર્ણ ગીત વગાડવા અંગે વાંધો ઉઠાવ્યો હોય.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતને જ્યારે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ વિવાદ થયો હોવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે આ અંગે વધુ માહિતી કોંગ્રેસ હાઈકમાન્ડ અથવા જયરામ રમેશ આપી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ BJPના આરોપોને નકારી કાઢ્યા. તેમણે સ્પષ્ટતા કરી કે વંદે માતરમનું ગીત રોકવાનો કોઈ પ્રયાસ થયો નહોતો. તેમના જણાવ્યા મુજબ, સોનિયા ગાંધી માત્ર ખડગે માટે બેઠકની વ્યવસ્થા કરાવવા અંગે વાત કરી રહ્યાં હતાં. BJP અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે.

