રીપોર્ટ@દેશ: અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી વધુ એક શંકાસ્પદ કાર મળતા બોમ્બ સ્ક્વૉડ ઘટનાસ્થળે

 
દિલ્હી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીના લાલ કિલ્લા પાસે ભયાનક વિસ્ફોટ થયા બાદ તપાસ એજન્સીઓએ ધમધમાટ કાર્યવાહીઓ શરૂ કરી દીધી છે. આ કાર્યવાહી હેઠળ એજન્સીઓએ આતંકવાદીઓએ ઉપયોગમાં લીધેલી ચોથી શંકાસ્પદ કાર શોધી કાઢી છે. ફરિદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી શંકાસ્પદ સિલ્વર કલરની મારુતિ બ્રેઝા કાર મળી આવ્યા બાદ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ એટીએસ અને એનઆઈએની ટીમો પાર્કિંગમાં પહોંચી ગઈ છે. ઉપરાંત બોંબ સ્ક્વૉડની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી જઈને કારની તપાસ શરૂ કરી દીધી છે.

યુનિર્સિટીના પાર્કિંગમાંથી મળી આવેલી કાર ડૉ.શાહીનના નામ પર રજિસ્ટર્ડ છે. દરોડા દરમિયાન અગાઉ જે કાર પકડાઈ હતી તે શાહીનની જ હતી અને તે કારમાંથી રાઈફલ મળી આવી હતી. બ્લાસ્ટમાં આ ચોથી શંકાસ્પદ કારનો ઉપયોગ થયો હોવાનું તેમજ બ્લાસ્ટનો મુખ્ય આરોપી ડૉ.ઉમર નબી અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ ચાર કારનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.

ફરીદાબાદ પોલીસે યુનિવર્સિટી કેમ્પસને કામચલાઉ ધોરણે સીલ કરી દીધી છે. સુરક્ષા દળોએ આખી યુનિવર્સિટીને ઘેરી લીધી છે. આ ઉપરાંત પાર્કિંગમાં કાર કોણ લાવ્યું અને ક્યારે પાર્ક કરવામાં આવી તેની યુનિવર્સિટીના તંત્રને પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે, બ્લાસ્ટની સાધન-સામગ્રી લાવવા માટે ચોથી કારનો ઉપયોગ થયો હશે અથવા તો વિસ્ફોટક સામગ્રી લઈ જવા માટે તેનો ઉપયોગ થયો હોઈ શકે છે.તમામ ઘટનાક્રમ વચ્ચે, જે દિવસે વિસ્ફોટ થયો તે દિવસનો એક નવો સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. આ ફુટેજમાં આતંકવાદી ડૉ.ઉમર નબી બદરપુર બોર્ડર ટલ પ્લાઝાથી દિલ્હીમાં પ્રવેશ કરતો અને પછી રામલીલા મેદાન પાસે એક મસ્જિદ પાસે જતો દેખાઈ રહ્યો છે. બદરપુર ટોલ પ્લાઝાના 10 નવેમ્બર 8.02 વાગ્યાના સીસીટીવી ફુટેજમાં આતંકી ઉમર જોવા મળી રહ્યો છે, તે સફેદ હુન્ડાઈ I20 કાર ચલાવતો, ટોલ ગેટ પાસે કાર ઉભી રાખતો અને રોકડ કાઢીને ટોલ ઓપરેટરને આપતો, પછી ત્યાંથી આગળ વધતો જોવા મળી રહ્યો છે.