રીપોર્ટ@દેશ: 21 દિવસથી પાકિસ્તાની કસ્ટડીમાં રહેલા BSF જવાનને પાકિસ્તાને ભારત પરત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઓપરેશન સિંદૂર સ્થગિત થયા બાદ પાકિસ્તાને આજે BSFના જવાનને અટારી સરહદેથી ભારતને પરત કર્યો છે. સૈન્ય કાર્યવાહી દરમિયાન ભારતે પકડેલા કેટલાક પાકિસ્તાની રેન્જર્સને પણ ઈસ્લામાબાદને પરત કરવામાં આવ્યા છે. ફિરોઝપુરમાં પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. BSF એ રાજસ્થાનમાં ભારતીય સરહદ નજીક એક પાકિસ્તાની રેન્જરને પકડ્યો હતો.
સૈનિકના બદલામાં ભારતે પાક રેન્જર પણ પાકિસ્તાનને સોંપી દીધો છે. બીએસએફ જવાન પૂર્ણમ કુમાર સાહૂ, જે 23 એપ્રિલ 2025ના રોજ પાકિસ્તાન રેંજર્સની ધરપકડમાં હતા. તેમને સંયુક્ત ચેક પોસ્ટ અટારી, અમૃતસરથી લગભગ 10.30 કલાકે ભારતને સોંપવામાં આવ્યા છે. આ હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે અને પ્રોટોકોલ અનુસાર થયું છે. આ દરમ્યાન બીએસએફ જવાન પીકે સાહૂની વતન વાપસી થઈ છે. પાકિસ્તાને તેમને ભારતને સોંપી દીધા છે. પીકે સાહૂ ભૂલથી 23 એપ્રિલના રોજ પાકિસ્તાનની સરહદમાં જતા રહ્યા હતા. ત્યાર બાદ તેમને પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી લીધા હતા. પીકે સાહૂને 21 દિવસ બાદ મુક્ત કરવામાં આવ્યા છે.
બીએસએફે જણાવ્યું કે, આજે બીએસએફના કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સાહૂ અટારી વાઘા બોર્ડરથી ભારત આવી ગયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો હતો. બંને દેશો વચ્ચે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલા પણ થયા હતા. આતંકવાદ સામે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. આ પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો.