રીપોર્ટ@દેશ: કાશ્મીરમાં 60 મિનિટમાં બે વખત વાદળ ફાટ્યા, હોટલો અને મકાનો પાણીમાં ગરકાવ
પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે ગભરાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કશ્મીરના અનંતનાગ જિલ્લામાં માત્ર 60 મિનિટના સમયગાળામાં બે અલગ-અલગ સ્થળે વાદળ ફાટવાની ઘટનાઓ બનતાં પહેલગામ અને શાંગુસ વિસ્તારમાં અચાનક પૂર આવ્યું છે. પૂરનું પાણી હોટલો, રિસોર્ટ અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શનિવારે રાત્રે થયેલા વાદળ ફાટવાના કારણે પહેલગામ અને શાંગુસ વિસ્તારમાં નદીઓ અને નાળાઓમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ઓવેરા નાળામાંથી આવેલા પૂરનું પાણી અનેક હોટલો, લક્ઝરી રિસોર્ટ અને ઘરોમાં ઘૂસી ગયું હતું.
અચાનક આવેલા પૂરના કારણે ત્યાં રોકાયેલા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા, જેને બાદમાં બચાવ ટીમોએ સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. ભારે વરસાદ અને પૂરના કારણે વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થઈ છે. અનેક માર્ગો પર કાદવ અને કાટમાળ જમા થતાં વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. અનંતનાગ જિલ્લામાં પ્રથમ વાદળ ફાટવાની ઘટના શાંગુસના ચતરગુલના ઉપરવાસના પર્વતીય વિસ્તારમાં બની હતી. આ પછી અરિપથ નાળામાં પાણીનું સ્તર ખતરનાક રીતે વધી ગયું અને તેની સાથે કાદવ, મોટા પથ્થરો તથા ઝાડનો કાટમાળ નીચેના વિસ્તારોમાં ધસી આવ્યો. પાણી ખેતરો અને સફરજનના બગીચાઓમાં ફરી વળતાં પાકને ભારે નુકસાન થયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા જ સમયમાં સમગ્ર વિસ્તાર નદીમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ પહેલગામના ઓવેરા વન્યજીવન અભયારણ્ય વિસ્તારમાં બીજો વાદળ ફાટતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હોટલોમાં ફસાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે. જેને દૂર કરવાની કામગીરી ચાલુ છે. વહીવટીતંત્રે તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રાખ્યા છે અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અનંતનાગ જિલ્લા પ્રશાસને સ્થાનિકો અને પ્રવાસીઓને અરિપથ તથા ઓવેરા સહિત તમામ નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની કડક સલાહ આપી છે. વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

