રીપોર્ટ@દેશ: રાજસ્થાનના જેસલમેરમાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરાયું, લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના

 
જેસલમેર
સેનાને લગતા કે હથિયારોને લગતા કોઈપણ વીડિયો ના બનાવશો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાકિસ્તાન દ્વારા કરાઈ રહેલા હુમલાને પગલે સુરક્ષાને ધ્યાને રાખી બોર્ડર સાથે જોડાયેલા રાજ્યોના જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવી રહ્યા છે. જેમા રાજસ્થાનના જેસલમેરને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવ્યુ છે. હનુમાન ચોકડીથી લઈને સમગ્ર શહેરમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. દૂધ, શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.

મેડિકલ ઈમરજન્સી હશે તેમને જ બહાર નીકળવા માટેની મંજૂરી આપવામાં આવશે. બપોરના ત્રણ વાગ્યાથી જ જેસલમેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવનજાવન સંપૂર્ણ રીતે બંદ કરી દેવામાં આવી છે. તો વીજળી પૂરવઠો પણ પરમેનન્ટ નહીં રહે. સરહદી વિસ્તારોમાં સૂર્યાસ્તથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી કોઈપણ લાઈટ આગામી આદેશ ન મળે ત્યાં સુધી શરૂ કરવામાં નહીં આવે. કોઈપણ ઈમરજન્સી સીવાય બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. ગુપ્તચર વિભાગ દ્વારા કેટલાક ઈનપુટસ મળતા તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

પહલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાન દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે. તેને જોતા સ્હેજ પણ ઢીલાશ વર્તવાના મૂડમાં સરકાર નથી. નાગરિકોને સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે. જે પ્રકારે ગઈકાલે પાકિસ્તાને જેસલમેરમાં ડ્રોન હુમલાઓ કર્યા હતા તેને જોતા આ પ્રકારની કાર્યવાહી જરૂરી પણ છે. લોકો તેમની આસપાસ કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી થઈ રહી હોય તો તેના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કે તેમના પર્સનલ ગૃપમાં ફોરવર્ડ ન કરે. તેને સ્ટેટસ પણ ન બનાવે, દુશ્મન દેશ આવા જ વીડિયોને ટ્રેક કરી સૈન્ય કાર્યવાહીનો પ્રતિકાર કરવાની રાહમાં હોય છે તો આપણા દેશનો અને સૈનિકોનો સહયોગ કરો.