રિપોર્ટ@દેશ: કેરલમથી કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા

 
કેરલમ
21 સભ્યોના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેરલમ વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટની કારમી હાર સાથે જ રાજ્યમાંથી ડાબેરી શાસનની વિદાય થઈ છે અને હવે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ રાજ્યની 140 બેઠકોમાંથી 102 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવતા નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે. આ ભવ્ય વિજય બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.ડી. સતીશને આજે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા એક ઐતિહાસિક સમારોહમાં કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે.

તેમની સાથે 21 સભ્યોના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા છે, જેમાં અનુભવી અને યુવા ચહેરાઓનું અદ્ભુત સંતુલન રાખવામાં આવ્યું છે. આ શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત દેશભરના વિપક્ષી દિગ્ગજો ખાસ ઉપસ્થિત રહ્યા.આ ઐતિહાસિક શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશન ઉપરાંત 20 મંત્રીઓ ધરાવતા 'પૂર્ણ કેબિનેટ'ને પણ શપથ લેવડાવવામાં આવ્યા છે. આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કોંગ્રેસના નેતૃત્વવાળા આ ગઠબંધને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સીપીઆઈ(એમ)ના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ને સત્તા પરથી હટાવીને પ્રચંડ બહુમતી મેળવી છે.

140 સભ્યોની વિધાનસભા બેઠકો માટે 9 એપ્રિલે મતદાન થયું હતું અને 4 મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં UDF ને 102 બેઠકો પર ઐતિહાસિક જીત મળી હતી, જ્યારે LDF ને માત્ર 35 બેઠકો અને ભાજપને 3 બેઠકો મળી શકી હતી.ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં કોંગ્રેસ હાઈકમાન્ડને 11 દિવસનો સમય લાગ્યો હતો. આ રેસમાં વી.ડી. સતીશનની સાથે કે.સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલા જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં હતા. પરંતુ આખરે હાઈકમાન્ડે સતીશન પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.