રીપોર્ટ@દેશ: સીપી રાધાકૃષ્ણન દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા, દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા

 
સીપી રાધાકૃષ્ણન્
ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સીપી રાધાકૃષ્ણન દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા છે. આ પ્રસંદે પીએમ મોદી, રાજનાથ સિંહ સહિત પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપ્યા બાદ પહેલીવાર જગદીપ ધનખડ કોઇ કાર્યક્રમમાં જોવા મળ્યા છે.

અગાઉ તેમણે ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા બાદ સીપીને અભિનંદન આપ્યા હતા. એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં જીત્યા હતા. આ ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. INDIA ગઠબંધનનો દાવો હતો કે તેમના ઉમેદવારને 315 મત મળશે. આનો અર્થ એ થયો કે લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું. સીપી રાધાકૃષ્ણન 1998 અને 1999માં કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા. 2004, 2014 અને 2019માં તેમને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, તેમની રાજકીય પકડ નબળી પડી ન હતી. લોકસભા સાંસદ રહીને તેમણે કાપડ મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષપદ સંભાળ્યા હતા. ઉપરાંત, તેઓ સ્ટોક એક્સચેન્જ કૌભાંડની તપાસ માટે રચાયેલી વિશેષ સંસદીય સમિતિના સભ્ય હતા.

2004માં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તાઇવાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનો પણ ભાગ હતા.21 જુલાઈ 2025ના રોજ જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચોમાસુ સત્ર 21 જુલાઈના રોજ જ શરૂ થયું. તેમણે દિવસભર સ્પીકર તરીકે સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો અને પછી મોડી સાંજે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરેલા રાજીનામામાં તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો અને આ પછી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.