રીપોર્ટ@દેશ: દિલ્હી હાઈકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 22 ડિસેમ્બર 2025ના રોજ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓને નોટિસ ફટકારી છે. અગાઉ આ કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધની ચાર્જશીટ પર એક્શન લેવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી. ત્યાર પછી આ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ઈડીની અરજી મંજૂર કરતાં સુનાવણી માટે 12 માર્ચ 2026ની તારીખ આપી છે.
ઈડી તરફથી અરજી કરતાં દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી છે. જેમાં તેમણે ટાંક્યું છે કે કેસનો નિષ્કર્ષ એ છે કે 50 લાખ રૂપિયાના બદલે આરોપીઓએ 2 હજાર કરોડ રૂપિયાની સંપત્તિમાં ગોલમાલ કરી છે. ઈડીની ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા, સુમન દુબે, સુનિલ ભંડારી, યંગ ઈન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડનો નામજોગ ઉલ્લેખ છે. ઈડીની તપાસમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે આ કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે.ઈડીનું માનવું છે કે, આ ગંભીર આર્થિક ગુનો છે, જેમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના પુરાવા છે. કંપનીના 76 ટકા શેર સોનિયા અને રાહુલ ગાંધી પાસે છે.
આ મામલે ગુનાની આવક 988 કરોડ રૂપિયા આંકવામાં આવી છે સાથે જે તેને સંબંધિત સંપત્તિઓની કિંમતનું મૂલ્ય 5000 કરોડ છે તેવો દાવો કરાયો છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી 16 ડિસેમ્બરે રાહત મળી હતી. કોર્ટે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. દિલ્હી કોર્ટે ઈડીની તપાસની કાયદેસરતા પર એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો હતો.
કોર્ટે નોંધ્યું કે, 'CBI એ હજી સુધી કોઈ 'પ્રિડિકેટ ગુનો' નોંધ્યો નથી, તેમ છતાં ઈડી શેની તપાસ ચાલુ રાખે છે.' કોર્ટે પ્રશ્ન કર્યો કે જ્યારે મૂળ ગુનો નોંધાયેલો જ ન હોય, ત્યારે મની લોન્ડરિંગ તપાસ કેવી રીતે આગળ વધી શકે. આ કાયદાકીય આધાર પર કોર્ટે ઈડીની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો.નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરાઈ હતી. તે સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક હતું, તે ઍસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL દ્વારા પ્રકાશિત કરાયું હતું.
2008માં નાણાકીય કટોકટી પછી આ અખબાર બંધ થઈ ગયું હતું અને અહીંથી આ વિવાદ શરુ થયો હતો. 2010માં યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીની રચના કરવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 38-38% હિસ્સો છે. આ કેસમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં આરોપ મૂક્યો હતો કે YIL એ AJLની 2000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તેમની વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ કરવાની માગ કરી હતી.

