રીપોર્ટ@દેશ: વડાપ્રધાન-અમિત શાહની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું

 
મોદી
સૌની નજર સરકારના આગામી પગલાં પર મંડાયેલી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની તાજેતરની મુલાકાત બાદ, કેન્દ્ર સરકાર દ્વારા કયા મોટા પગલાંની જાહેરાત કરવામાં આવશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાથી લઈને સમાન નાગરિક સંહિતા સુધીના મુદ્દાઓ પર અટકળો ચાલી રહી છે.5 ઓગસ્ટની તારીખ મોદી સરકાર માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજીત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.

5 ઓગસ્ટ, 2020 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો, જે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લેવાયેલું પગલું હતું.આ બંને નિર્ણયો ભાજપ અને RSS ના બે મુખ્ય એજન્ડાનો અમલ દર્શાવે છે. આ જ કારણોસર, આ વખતે પણ 5 ઓગસ્ટની તારીખ વિશે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે અને સૌની નજર સરકારના આગામી પગલાં પર મંડાયેલી છે.સંસદનું ચોમાસુ સત્ર હાલ ચાલી રહ્યું છે, ત્યારે એવી અટકળો છે કે મોદી સરકાર ફરી એકવાર કોઈ મોટો બંધારણીય કે રાજકીય નિર્ણય લઈ શકે છે.

આમાં કોઈ મહત્વપૂર્ણ રાજકીય નિમણૂક અથવા રાષ્ટ્રપતિ સ્તરનો રાજકીય નિર્ણય પણ શામેલ હોઈ શકે છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે, એવી પણ શક્યતા છે કે સરકાર કેટલાક સંવેદનશીલ બિલ રજૂ કરી શકે છે, જેમાં જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાથી લઈને સમાન નાગરિક સંહિતા પર કાર્યવાહી કરવા સુધીની બાબતોનો સમાવેશ થાય છે.શાહએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ અચાનક મુલાકાત અંગે રાષ્ટ્રપતિ ભવન કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.