રીપોર્ટ@દેશ: મ્યાનમારમાં ભૂકંપથી ભારે તબાહી, ભારતે તાત્કાલિક મદદ મોકલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપના આંચકાએ બાંગ્લાદેશ અને ચીનના કેટલાક ભાગોને પણ હચમચાવી નાખ્યા છે. જ્યારે ભારતના મેઘાલય, દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભારત એલર્ટ થઈ જતાં ભૂકંપગ્રસ્ત દેશો માટે તાત્કાલિક મદદનો હાથ લંબાવ્યો હતો. આજે સવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન હિંડોનથી 15 ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી.
આ રાહત સામગ્રી ભારતીય વાયુસેનાના વિમાન C 130 J દ્વારા મ્યાનમાર પહોંચાડાઈ હતી. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વૉટર પ્યૂરીફાયર, સફાઈ કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓ (પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, કેન્યુલા, સિરીંજ, મોજા, કોટન બેન્ડેજ, પેશાબની થેલીઓ વગેરે)નો સમાવેશ થાય છે. ગઈકાલે મ્યાનમારમાં 7.7 અને 7.2 ની તીવ્રતાના એક પછી એક બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. જેની લપેટમાં મ્યાનમાર સહિત બાંગ્લાદેશ, ભારત, થાઈલેન્ડનું બેંગકોક શહેર અને ચીન પણ આવી ગયું હતું. જેના કારણે ભારે તબાહી મચી હતી. મોતનો આંકડો લગભગ 186 ને વટાવી ગયો છે.