રિપોર્ટ@દેશ: ચીનમાં 40 મિનિટમાં 8 વખત ધરતી ધ્રુજતા હડકંપ, તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જાહેર

 
ભૂકંપ

ઈન્ડોનેશિયા-જાપાનમાં પણ આંચકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચીનમાં 40 મિનિટમાં 8 વખત ધરતી ધ્રુજતા હડકંપ મચી ગયો છે, જાપનમાં પણ 5.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ચીનમાં સૌથી શક્તિશાળી ઝટકાની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રશાસને તાત્કાલીક અસરગ્રસ્ત વિસ્તારમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરી દીધું છે.

આ સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે. કિંઘાઈ પ્રાંતમાં મંગળવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 6:40 વાગ્યે ભૂકંપનો પહેલો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર પ્રાંતની રાજધાની શિયાંગથી લગભગ 567 કિલોમીટર દૂર આવેલું હોવાનું જણાવવામાં આવ્યું છે.આ ઘટનાની ગંભીરતાને જોતા નજીકની કોલસાની ખાણોમાંથી લોકોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. સરકાર જાન-માલના નુકસાન અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે.

રાહત અને બચાવ કામગીરી માટે 2 સ્પેશિયલ ગાડી અને 10 કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હતાહત થયેલા લોકોની સંખ્યા જોયા બાદ સ્થાનિક પ્રશાસન આગળનો નિર્ણય લેશે.ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર 6.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે અને વ્યાપક નુકસાન થયું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલુ શહેરથી આશરે 43 કિલોમીટર દૂર પૂર્વ-દક્ષિણપૂર્વમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવેલું હતું. આ જોરદાર આંચકાના કારણે આશરે 4,00,000 ની વસ્તી ધરાવતા પાલુ શહેરમાં લોકો ગભરાઈને ખુલ્લા મેદાનોમાં દોડી આવ્યા હતા અને સાવચેતીના પગરૂપે હોસ્પિટલોમાંથી દર્દીઓને પણ બહાર ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં છત તૂટી પડવી, દીવાલોમાં તિરાડો પડવી અને રસ્તાઓ પર કાટમાળ વિખરાયેલો જોવા મળ્યો છે. આ મુખ્ય ભૂકંપ બાદ પણ કેટલાય આફ્ટરશોક્સ અનુભવાયા હતા, જેમાં સૌથી શક્તિશાળી આંચકો 5.2 ની તીવ્રતાનો નોંધાયો હતો. પ્રશાસન દ્વારા હજુ પણ નુકસાન અને જાનમાલની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.જાપાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જાપાનના ઇબારાકી પ્રાંતમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.