રીપોર્ટ@દેશ: અફઘાનિસ્તાનમાં ભૂકંપે વિનાશ મચાવ્યો, મૃત્યુઆંક 1100ને પાર પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અફઘાનિસ્તાનમાં આવેલા 6.0 ની તીવ્રતાના ભૂકંપે વિનાશ મચાવ્યો છે. આ ભૂકંપથી જલાલાબાદ અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. જાનમાલનું ભારે નુકસાન થયું છે. કેટલાક ગામડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ઘરો નાશ પામ્યા અને કાટમાળમાં ફેરવાઈ ગયા. લોકો બેઘર થઈ ગયા, રસ્તાઓ તૂટી પડ્યા અને મોટી તિરાડો પડી ગઇ છે.આ ભૂકંપ પછી, જલાલાબાદ અને આસપાસના વિસ્તારોમાં ઘણા આફ્ટરશોક પણ નોંધાયા.ભૂકંપ એટલો ઘાતક હતો કે, પહેલાથી જ એવી આશંકા હતી કે, તેનાથી ઘણું નુકસાન થશે.
અત્યાર સુધીમાં આ ભૂકંપને કારણે મૃત્યુઆંક 1,110 પર પહોંચી ગયો છે. તાલિબાન સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી.તાલિબાન સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી હતી કે ભૂકંપને કારણે ઘાયલ થયેલા લોકોની સંખ્યા 3,500થી વધુ થઈ ગઈ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલો, ક્લિનિક્સ અને તબીબી કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધી શકે છે.અફઘાનિસ્તાનમાં થયેલા ભૂકંપ પછી ભારત મદદ માટે સૌથી પહેલા આગળ આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પીડાદાયક આફત પર દુ:ખ વ્યક્ત કર્યું અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ મામલે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે પણ વાત કરી હતી. ભારતે અફઘાનિસ્તાનમાં 1000 પરિવારો માટે તંબુ પહોંચાડ્યા છે. આ સાથે, ભારતીય મિશન દ્વારા કાબુલથી કુનાર સુધી 15 ટન ખાદ્ય પદાર્થો પણ પહોંચાડવામાં આવ્યા છે. જયશંકરે એમ પણ કહ્યું કે ભારતથી અફઘાનિસ્તાનમાં વધુ રાહત સામગ્રી પણ મોકલવામાં આવશે.